ટ્રકમાંથી નીકળી ગયેલું ટાયર યુવાન માટે મોત બનીને આવ્યુ

- text


મોરબી માળીયા હાઇવે ઉપર બનેલા બનાવમાં આશાસ્પદ યુવાનનું વિચિત્ર અકસ્માતમાં મૃત્યુ

મોરબી : મોરબી – માળીયા હાઇવે ઉપર નાગડાવાસ ગામના પાટિયા પાસે સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં એક અજાણ્યા ટ્રકમાંથી નીકળી ગયેલું ટાયર હાઇવે ઉપર ધસમસતું આવી એક્ટિવા લઈને પોતાની સાઈડમાં જઈ રહેલા યુવાન સાથે અથડાતા ગંભીર ઇજાઓ પહોંચવાથી આ યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નાની વાવડી ગામે રહેતા અને સુથારીકામ કરી પરિવારનો જીવનનિર્વાહ કરતા કૌશિકભાઈ ખીમજીભાઈ વડગામા ઉ.38 ગત તા. 14 ના રોજ માળીયા તાલુકાના વાધરવા ગામેથી બપોરના સમયે મિસ્ત્રિકામ કરી એક્ટિવા લઈ પરત ફરતા હતા ત્યારે નાગડાવાસ ગામના પાટિયા નજીક આચનક જ મોરબી તરફથી આવતા અજાણ્યા ટ્રકનું ટાયર છૂટું પડી રોડ ઉપર ધસમસતા વેગે આવી કૌશિકભાઈના એક્ટિવા સાથે અથડાતા કૌશિકભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

- text

અકસ્માત બાદ ઇજાગ્રસ્ત બનેલા કૌશિકભાઈને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તા.15ના રોજ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ નિમેશભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text