ઇડન હિલ્સમાં જુગારધામ ઝડપાયું : પોલીસે પ્રથમ ઢાંકપીછોડા કર્યા બાદ મોડે મોડે વિગતો જાહેર કરી

- text


જુગારની બાતમી બાદ પોલીસ દરોડામાં લાખોનો મુદ્દામાલ અને ગાડી પકડાઈ પણ રાજકીય દબાણ આવતા કલાકોમાં આરોપીનો જામીન પર છુટકારો

ટંકારા : ટંકારા પોલીસે આજે બપોરે મોરબી – રવાપર – ઘુનડા રોડ ઉપર આવેલ ઇડન હિલ્સ બંગલોમાં જુગારની બાતમી બાદ દરોડો પાડ્યો હતો. જેમાં હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપાયું હતું. પરંતુ જુગારમાં ઝડપાયેલા શખ્સો એવા તે લાંબા હાથ વાળા હતા કે કાનૂનના હાથ પણ ટૂંકા પડયા હોય તેમ દરોડા બાદ કલાકોમાં આરોપીઓ જામીન ઉપર છોડી દેવામાં આવ્યા હતા અને મોડે સુધી ઇડન હિલ્સ બંગલાના જુગાર અંગે એક પણ શબ્દ ઉચ્ચારવા ટંકારા પોલીસના કર્મચારી કે અધિકારી તૈયાર નહતા પરંતુ આ બાબતે પત્રકારોને ઉચ્ચ અધિકારીને રજૂઆત કરતા અંતે ટંકારા પોલીસે ટૂંકી વિગતો જાહેર કરી હતી.

મોરબીના રવાપર – ઘુનડા રોડ ઉપર આવેલા ઇડન હિલ્સ બંગલોમાં લાંબા સમયથી જુગારની મહેફિલો જામતી હોવાની ટંકારા પોલીસને ચોક્કસ બાતમી મળતા ટંકારા પોલીસે હિંમત કરીને ઇડન હિલ્સ બંગલોમાં રેઇડ પાડી હતી અને રેઇડ દરમિયાન મોટાઘરના વગદાર જુગારીઓ પકડાઈ ગયા હતા. પરંતુ બાદમાં પોલીસને એવું તે પ્રેસર આવ્યું કે સાંજ સુધીમાં એટલે કે દરોડાની ગણતરીની કલાકોમાં જ જુગારીઓને નામ પૂરતી કાર્યવાહી કરી મુક્ત કરી દીધા હતા.

- text

અને આશ્ચર્ય તો એ વાતનું છે કે સામાન્ય પાંચ, પંદર હજારના જુગારમાં જુગારીઓના ફોટો અને પ્રેસનોટ મોકલતા પોલીસ તંત્રને આજે એટલી હદે રાજકીય દબાણ આવ્યું હતું કે ફરજ ઉપરના પોલીસ સ્ટાફ અને અધિકારીઓને કડક સૂચના આપી કોઈપણ પત્રકારોને માહિતી ન આપવા જણાવ્યું હતું. જો કે આ મામલે પત્રકારોને ઉચ્ચ પોલીસ અધિકારીને ટંકારા પોલીસ વિગત છુપવતા હોવાની ફરિયાદ કરતા અંતે મોડે મોડે પોલીસે જુગારધામની ટૂંકી વિગતો જાહેર કરી હતી.

ટંકારા પોલીસે મોડે મોડે ટેલીફોનીક આપેલી માહિતી મુજબ ઇડન હિલ્સમાં આવેલા બંગલા ન. 32માં જુગાર રમતાં પ્રવિણ કરશનભાઇ પટેલ, યોગેશ નરભેરામભાઈ પટેલ, ત્રિભોવન લાલજીભાઈ પટેલ, રમેશ ડાયાભાઈ પટેલ, પ્રવીણ હિરજીભાઈ પટેલ, નંદલાલ ભગવાનજીભાઈ પટેલ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. અને પોલીસે સ્થળ પરથી રોકડ રૂ.1,53,200 અને ઇનોવા કાર કિંમત રૂ. 3 લાખ મળી કુલ 4,53,200 ના મુદામાલ સાથે જુગારીઓને ઝડપી લીધા હતા.

 

- text