મોરબી વિકાસ વિદ્યાલયમાં લાડકોડથી ઉછરેલી અનાથ દીકરી 16મીએ પ્રભુતામાં પગલાં પાડશે

- text


લજાઈ પાસેથી 3 વર્ષની બાળકી મળી આવ્યા બાદ વિકાસ વિદ્યાલયના સંચાલકોએ દીકરીની જેમ ઉછેરી સારું શિક્ષણ આપ્યું, હવે ધામધૂમથી એન્જીનીયર યુવાન સાથે લગ્ન કરાવશે

મોરબી : અનાથ દીકરા-દીકરીઓને સાચવવા અનેક સેવા સંસ્થાનો ચાલતા હોય છે જેમાં મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર આવેલ વિકાસ વિદ્યાલય પણ આવી જ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાઈ અનાથ દીકરીઓને ઉછેરી ભણાવી ગણાવીને તેનો ઘરસંસાર પણ વસે ત્યાં સુધી સંભાળ લઇ રહ્યું છે. અહીં ત્રણ વર્ષની ઉમરે અનાથ બનેલી દિપાલી નામની દીકરી વિવાહ યોગ્ય બનતા હાલ તેણીના લગ્ન લેવાયા છે અને આગામી 16મીએ વિકાસ વિદ્યાલયના સંચાલકોમાવતર બની દિપાલીબેનને એન્જિનિયર ગુણવાન યુવાન સાથે મંગળ ફેરા યોજનાર છે.

મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર મચ્છુ હોનારત બાદ 1979થી કાર્યરત થયેલ વિકાસ વિદ્યાલયમાં પાંચ વર્ષ બાદ લગ્નની શરણાઈના સુર રેલાશે. વિકાસ વિદ્યાલયમાં માત્ર 3 વર્ષની ઉંમરથી રહેતી અને હાલ ઉંમરલાયક થયેલી દીપાલી નામની યુવતીના આગામી તા.16 ઓક્ટોબરે મહેન્દ્રનગર નિવાસી ધવલકુમાર રમેશભાઈ કાલરીયા સાથે લગ્ન ધામધૂમથી કરવામાં આવશે. વર્ષ 2013 પછી આ ચોથા લગ્ન યોજવાના હોવાથી આખું વિકાસ વિધાલય હરખાઈ ઉઠ્યું છે. સંચાલકોથી માંડીને તમામ સ્ટાફ સહિતના લોકો દીપાલીને પોતાની દીકરી જ ગણીને આ દીકરીના લગ્ન યાદગાર બનાવવા માટે અથાક પ્રયાસો કરી રહ્યા છે.

- text

વિકાસ વિદ્યાલયના અધિક્ષક નિરાલીબેન જાવીયા અને ભરતભાઇ નિમાવતના જણાવ્યા મુજબ આ દીકરી દીપાલી ત્રણ વર્ષની વયે અનાથ અવસ્થામાં લજાઈ પાસેથી મળી આવી હતી. તે વખતે પોલીસે આ નાનકડી દીકરીનો કબજો લઈને વિકાસ વિધાલયને સોંપી હતી. ત્યારથી માંડીને આ દીકરી અહીંયા જ ઉછરીને મોટી થઈ છે. આ દીકરીને ભણાવી ગણાવી તેના લગ્ન એન્જિનિયર ધવલકુમાર જેવા સુયોગ્ય યુવાન સાથે નક્કી કરવામાં આવ્યા છે અને આ લગ્ન પ્રસંગે રાજયમંત્રી બ્રિજેશ મેરજા, સાંસદ મોહનભાઇ કુંડારિયા, કલેકટર જે.બી.પટેલ સહિતના અધિકારીઓ પદાધિકારીઓ અને વિવિધ સમાજ તેમજ સંસ્થાકીય આગેવાનો ઉપસ્થિત રહેશે. આ દીકરીનું કનયાદાન સદગૃહસ્થ નરેન્દ્ર રઘુરામ રામાનુજ કરશે તેમજ દાતાઓના સહયોગથી આ દીકરીના ઠાઠમાંઠથી લગ્ન કરાવી સોના ચાંદી સહિતની કિંમતી ભેટ સોગાદ કરીયાવર રૂપે પણ આપવામાં આવશે.

- text