હાઇકોર્ટની ફટકાર બાદ મોરબી પાલિકા દ્વારા સાત માળની ઇમારત પાડવાની કામગીરી શરૂ કરી

- text


પંચાસર રોડ ઉપર પ્રમુખપાર્ક પાછળ બહુમાળી ઇમારતોનું બેરોકટોક બાંધકામ મામલે સ્થાનિક નાગરિકે હાઇકોર્ટમાં લડત આપતા અંતે મોરબીમાં ઇતિહાસમાં પહેલી વાર મેગા ડિમોલિશન

મોરબી : મોરબી શહેરમાં નગરપાલિકાની ઢીલી અને ભ્રષ્ટાચારી નીતિને પાપે શહેરમાં ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટ્યો છે ત્યારે અહીંના પંચાસર રોડ ઉપર પ્રમુખ પાર્ક પાછળ જીડીસીઆરના તમામ નીતિ -નિયમો નેવે મૂકી કોઈપણ જાતની મંજૂરી વગર એક, બે નહીં પરંતુ સાત-સાત માળના ભયજનક બાંધકામો ખડકી દેવામાં આવતા આ મામલે સ્થાનિક નાગરિકે બિલ્ડર અને નગરપાલિકા તંત્ર વિરુદ્ધ હાઇકોર્ટમાં લાંબી લડત આપતા અંતે આજે નગરપાલિકા દ્વારા હાઇકોર્ટના આદેશ બાદ આ સાત માળના બિલ્ડીંગ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે.

મોરબી નગરપાલિકા વિસ્તારમાં જીડીસીઆરના કોઈ નિયમો અમલી ન હોય તેમ નગરપાલિકા કચેરીની આજુંબાજુ તેમજ શહેરભરમાં મોટાભાગના બાંધકામો તંત્રની કે ઓનલાઇન મંજૂરી વગર ધમધમી રહ્યા છે.આજ રીતે પંચાસર રોડ ઉપર પ્રમુખપાર્ક-1 પાછળ શ્રીનાથજી એન્ટરપ્રાઇઝ તેમજ અન્ય બિલ્ડરો દ્વારા ભૂકંપ પ્રભાવિત મોરબીમાં સાત-સાત માળના બિલ્ડીંગો માર્જિન છોડયા વગર બાંધકામ કરવાનું શરૂ કરતા પ્રમુખ પાર્કના રહેવાસી ભાવેશભાઈ રણછોડભાઈ કુંડારીયા દ્વારા ગેરકાયદેસર રીતે બનતા બહુમાળી બાંધકામો અટકાવવા મોરબી નગરપાલિકામાં માર્ચ મહિનાથી સતત રજુઆત કરતા પાલિકા તંત્રએ શરમે-ધરમે ફક્ત બાંધકામ અટકાવવા નોટિસ ફટકારી સંતોષ માન્યો હતો. જો કે, નગરપાલિકાની નોટિસ છતાં દિવસ અને રાત્રી દરમિયાન બિલ્ડરો દ્વારા બાંધકામ ચાલુ રાખવામાં આવતા અને ભાવેશભાઈ કુંડારીયા દ્વારા નામદાર હાઈકૉર્ટનું શરણું લેવામાં આવ્યું હતું.

બીજી તરફ ગેરકાયદેસર બાંધકામના આ ગંભીર પ્રશ્ને હાઇકોર્ટે કડક વલણ અપનાવી જિલ્લા વહીવટીતંત્ર અને પાલિકાના ચીફ ઓફિસર તેમજ ગેરકાયદેસર બાંધકામ કરનારા બિલ્ડરોને નોટિસ ફટકારી હોવા છતાં મોરબી પાલિકાના ચીફ ઓફિસર દ્વારા હાઇકોર્ટના હુકમની પણ પરવા કરવામાં આવી ન હોય પંચાસર રોડ ઉપર પ્રમુખપાર્ક પાછળ આ ગેરકાયદેસર બાંધકામ સતત ચાલુ રહેતા અરજદાર દ્વારા હાઇકોર્ટમાં આ ગંભીર બાબત પુરાવા સાથે રજૂ કરવામાં આવતા હાઇકોર્ટે કડક રૂખ અપનાવી તાકીદે આ ગેરકાયદે બાંધકામ તોડી પાડવા હુકમ કરતા અંતે આજે મોરબીથી બદલી પામેલા ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા દ્વારા પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે આ ગેરકાયદે બિલ્ડિંગનો કડૂસલો બોલાવવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, મોરબી શહેરના તમામ વિસ્તારમાં તંત્રની મંજૂરીની પરવા કર્યા વગર છડેચોક ગેરકાયદેસર બિલ્ડીંગો બાંધવામાં આવી રહ્યા છે અને સામાપક્ષે આવા બાંધકામ રોકવાની ફરજ છે એવા નગરપાલિકા તંત્ર દ્વારા માત્ર મૂંગા મોઢે તમાસો નિહાળવામાં આવે છે અને જયારે નામદાર કોર્ટ ફટકાર લગાવે ત્યારે જ આવા બાંધકામો દૂર કરવા તસ્દી લેવાતી હોય છે. હકીકત તો એ છે કે, આજે ગેરકાયદે બાંધકામોને પગલે મોરબીમાં મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેન્ક હાઉસિંગ લોન આપતી જ નથી. આ સંજોગોમાં હવે જનતાએ જ જાગૃત બનીને પ્લાન કંપ્લીશન વગરના બાંધકામો ન ખરીદવા જોઈએ જેથી બિલ્ડરોની શાન ઠેકાણે આવે.

- text

- text