ગુજરાત ગેસની મોનોપોલી તોડવા સિરામીક ઉદ્યોગ પ્રોપ્રેન ગેસ તરફ વળ્યો

- text


છેલ્લા એક મહિનામાં જ 100થી વધુ સિરામીક ફેક્ટરીઓએ પ્રોપેન ગેસ પ્લાન્ટ ફિટ કરાવ્યા : મોરબીની 215થી વધુ ફેકટરીઓ હવે પ્રોપેન ગેસથી ચાલશે 

પ્રોપેન ગેસ ગુજરાત ગેસથી 17 રૂપિયા સસ્તો પડતો હોય ઉદ્યોગકારો પ્રોપેન તરફ વળ્યાં 

મોરબી : સમગ્ર વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સિરામીક ઉદ્યોગે ગુજરાત ગેસની મોનોપોલી તોડવા કમ્મર કસી લીધી છે, હાલમાં સિરામીક ઈન્ડસ્ટ્રીઝમાં એક મહિનાના મીની વેકેશન દરમિયાન 100થી વધુ ઉદ્યોગપતિઓએ ગુજરાત ગેસના પાઈપલાઈન નેચરલ ગેસના વિકલ્પે પ્રોપેન ગેસ પ્લાન્ટ વસાવી લેતા સિરામીક ક્લસ્ટર મોરબીમાં પ્રોપેનથી ચાલતા એકમોની સંખ્યા 215ને પાર થઇ છે.ઉલ્લેખનીય છે કે પ્રવર્તમાન બજારભાવ મુજબ ગુજરાત ગેસના નેચરલ ગેસની તુલનાએ પ્રોપેન ગેસ 17 રૂપિયા સસ્તો પડે છે.

ચીનને હંફાવી સમગ્ર વિશ્વમાં છવાઈ ગયેલા મોરબીના સીરામીક ઉદ્યોગ ટાઇલ્સ બનાવવમાં અત્યાર સુધી ગુજરાત ગેસ કંપનીની મોનોપોલી સામે મજબુર હતો પરંતુ છેલ્લા છએક માસમા મોરબીના સિરામીક ઉદ્યોગપતિઓએ સસ્તા પ્રોપેન ગેસનો વિકલ્પ શોધી કાઢતા ખુબ જ ટૂંકા ગાળામાં મોરબી સીરામીક ક્લસ્ટરમાં પ્રોપેન ગેસથી ચાલતા સિરામીક એકમોની સંખ્યા બમણાને પાર એટલે કે 215 સુધી પહોંચી ગઈ છે.

- text

મોરબી સીરામીક એસોશિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાએ મોરબી અપડેટ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સિરામીક ક્લસ્ટર મોરબીમાં છેલ્લા એક વર્ષમાં ગુજરાત ગેસ કંપની દ્વારા નેચરલ ગેસના ભાવમાં બમણાથી વધુ ભાવ વધારો કરતા ઉદ્યોગકારો સસ્તા ઇંધણની ખોજમાં હતા અને આ ખોજ પ્રોપેન ગેસે પૂર્ણ કરી છે. આંતરરાષ્ટ્રીય બજાર ઉપર આધારિત પ્રોપેન ગેસ હાલમાં મોરબીના ઉદ્યોગકારોને ગુજરાત ગેસના નેચરલ ગેસથી અંદાજે 17 રૂપિયા સસ્તો મળી રહ્યો છે. જેથી કરીને છેલ્લા એકાદ મહિનાથી સીરામીક ઈન્ડસ્ટ્રીઝમાં સ્વૈચ્છીક શટડાઉન ચાલી રહ્યું હોય આ સમયગાળા દરમિયાન 100 જેટલા ઉદ્યોગોમા પ્રોપેન ગેસ પ્લાન્ટ ફિટ થયા છે અને હાલમાં પ્રોપેન ગેસથી ચાલતી ઇન્ડસ્ટ્રીઝની સંખ્યા 215ને પાર થઇ હોવાનું તેમને ઉમેર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, સિરામીક ક્લસ્ટર મોરબીમાં હાલમાં વોલ ટાઇલ્સ, ફ્લોર ટાઇલ્સ, વિટ્રિફાઇડ, સેનેટરીવેર્સ, જીવીટી, પીજીવીટી, સ્લેબ સહિત જુદી-જુદી પ્રોડક્ટ બનાવતા કુલ 700થી વધુ સીરામીક એકમો કાર્યરત છે અને આ સિરામીક એકમો ગુજરાત ગેસનો અંદાજે દૈનિક 25 કરોડ રૂપિયાનો 45 લાખ ક્યુબિક મીટર ગેસ વપરાશ કરતા હતા પરંતુ હવે 215 જેટલા એકમો પ્રોપેન ગેસ તરફ વળતા ગુજરાત ગેસને દૈનિક કરોડો રૂપિયાનો બિઝનેશ ખોવો પડશે તે નિશ્ચિત છે.

- text