મોરબીમાં શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો

- text


રાજયમંત્રી બ્રિજેશ મેરજાની ઉપસ્થિતિમાં રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે ચમકેલા કુલ નવ જેટલા શિક્ષકોનું સન્માન કરાયું

મોરબી : મોરબીમાં આજે શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં મોરબીની વીસી હાઈસ્કૂલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજયમંત્રી બ્રિજેશ મેરજાની ઉપસ્થિતિમાં રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે ચમકેલા કુલ નવ જેટલા શિક્ષકોનું સન્માન કરાયું હતું.

શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન સમારોહમાં રાજ્ય કક્ષાએ ચમકેલા ઘુનડા રોડ સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક વિજય દલસાણીયા, જિલ્લા કક્ષાના મોરબીની બિલિયા પ્રાથમિક શાળાના શિક્ષક ગૌતમભાઈ ગોઘવીયા, તાલુકા કક્ષામાં મોરબીની નાની વાવડી કુમાર શાળાના શિક્ષક અશોકકુમાર કાંજિયા, મોરબીની થોરાળા પ્રાથમિક શાળાના શિક્ષક સોનલબેન વેગડ, માળીયાની સુલતાનપુર પ્રાથમિક શાળાના શિક્ષક ચેતનકુમાર વનાળીયા, માળીયાની ખીરઇ ગામની શાળાના શિક્ષક દેવજીભાઈ મકવાણા, ટંકારાની સજ્જનપર શાળાના શિક્ષક વિરમગામાં મીનાબેન, ટંકારાની વાછકપર શાળાના શિક્ષક સ્વાતિબેન પુજારા અને વાંકાનેરના ગુંદાખડા પ્રાથમીક શાળાના શિક્ષક ઉમેશકુમાર સાગરનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યમંત્રી મેરજાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, મોરબી જિલ્લો જ્યારથી બન્યો છે ત્યારથી શ્રેષ્ઠ શિક્ષકોમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં એકપણ એવું વર્ષ નથી ગયું કે રાજ્યકક્ષાએ મોરબી જિલ્લાના શિક્ષક ન ઝળક્યાં હોય.દરેક વખતે રાજ્ય અને જિલ્લા કક્ષાએ મોરબીના શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષક તરીકે કદર થઈ છે. મોરબીના શિક્ષકો શિક્ષણ ક્ષેત્રે કઈક અવનવું કરીને વિદ્યાર્થીઓને સારું જ્ઞાન પીરસી રહ્યા છે. શિક્ષણ ક્ષેત્રે આગવી શૈલીથી શિક્ષકો અદભુત જ્ઞાનનું સિંચન કરે છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનાગ્રા, નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ડીડીઓ પી.જે.ભગદેવ, એ.એસ.પી. અતુલકુમાર બંસલ, ડે. કલેકટર ડી.એન ઝાલા, શિક્ષક સંઘના તમામ હોદેદારો સહિતના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text