સામાંકાંઠે પીપીડબ્લ્યુ પોસ્ટ ઓફીસ પાસેની ફાટક અડધી કલાક બંધ રહેતા ટ્રાફિકની અંધાધુધી

- text


ટ્રેન પસાર કરવા માટે અડધી કલાક વહેલી ફાટક બંધ કરી દેતા ભારે ટ્રાફિકજામ થવાથી લોકો રોષે ભરાયા, રેલવે તંત્રને નિયમ મુજબ ફાટક બંધ કરવાની રજુઆત

મોરબી : મોરબીમાં સામાંકાંઠે પીપીડબ્લ્યુ પોસ્ટ ઓફીસ પાસેની ફાટક અડધી કલાક બંધ રહેતા ટ્રાફિકની અંધાધુધી સર્જાઈ હતી. રેલવે તંત્રએ ટ્રેન પસાર કરવા માટે અડધી કલાક વહેલી ફાટક બંધ કરી દેતા ભારે ટ્રાફિકજામ સર્જતાં લોકો રોષે ભરાયા હતા અને રેલવે તંત્ર સમક્ષ ફાટક નિયમ મુજબ ઉઘાડ-બંધ કરવાની રજુઆત કરી હતી.

મોરબીના નટરાજ ફાટકે કામ ચાલુ હોય અને સામાકાંઠા એસ.પી. તેમજ જિલ્લા કલેકટર અને જિલ્લા પંચાયત કચેરી ઉપરાંત ત્યાંથી હાઇવે ઉપર સરળતાથી સીરામીક ઉધોગમાં જઈ શકાતું હોવાથી મોરબીમાં સામાંકાંઠે પીપીડબ્લ્યુ પોસ્ટ ઓફીસ પાસેની ફાટકે હાજરો વાહનો અવરજવર થાય છે. જોકે દરરોજ ટ્રેન નીકળવાના સમયે વહેલી 15 મિનિટ આ ફાટક બંધ કરી દેવાતી હોવાની વચ્ચે આજે તો તંત્રએ હદ કરીને ટ્રેન નીકળવાના સમયે આ ફાટકને અડધી કલાક વહેલી બંધ કરી દેતા એલઇ કોલેજ તરફ જવાનો રસ્તો અને આ બાજુ શોભેશ્વર રોડ વાહનોથી બ્લોક થઈ ગયો હતો. આ ફાટકે ચોકડી પડતી હોય એ બે માર્ગ ઉપરાંત નટરાજ તરફ જવાના માર્ગ અને ભળીયાદ તરફ જવાના માર્ગ ઉપર પણ વાહનોના થપ્પા લાગી ગયા હતા.

- text

અડધી કલાક વહેલી ફાટક બંધ કરી દેવાથી આ ચોકડી ઉપર ખાસ્સો સમય સુધી એકપણ વાહન ન નીકળી શકે તે હદે ભયંકર ટ્રાફિકજામ થતા હજારો લોકો ફસાય ગયા હતા. એકાદ કિમીથી પણ વધુ વાહનોની કતારો લાગતા લોકો રોષે ભરાયા હતા અને રેલવે તંત્રને 15 મિનિટ કે અડધી કલાક વહેલી ટ્રેન બંધ કરવાથી લોકોને મુશ્કેલી પડતી હોય નિયમ મુજબ પાંચ કે દસ મિનિટ બંધ કરવાની માંગ કરી હતી. ભારે હાલાકી થયા બાદ ટ્રેન પસાર થઈ જતા ફાટક ઉઘડી જવાથી ટ્રાફિકમાં ધીરેધીરે રાહત થઈ હતી.

- text