ગંભીર ફટકો ! સિરામીક એકમો 10 ઓગસ્ટથી એક મહિનો બંધ થશે

- text


વોલ ટાઇલ્સ સિવાયના તમામ એકમો બંધ કરવાનો નિર્ણય લેવાયો : વોલ ટાઇલ્સના યુનિટો બંધ કરવા કે કેમ તે અંગે હવે નિર્ણય લેવાશે

ગેસના અસહ્ય ભાવ વધારા બાદ ડોમેસ્ટિક, ઇન્ટરનેશનલ માર્કેટમાં માંગ તળિયે પહોંચતા સિરામીક ઉદ્યોગની ગાડી રિવર્સ ગિયરમાં

મોરબી : વિશ્વના બીજા નંબરના સૌથી મોટા ગણાતા મોરબીના સિરામીક ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગતા સમગ્ર ઇન્ડસ્ટ્રીઝ એક મહિના માટે બંધ કરવા કઠોર નિર્ણય લેવાયો છે. આગામી 10 ઓગસ્ટથી મોરબીના વોલ ટાઇલ્સ સિવાયના તમામ સિરામીક યુનિટ એક મહિના માટે બંધ કરવામાં આવનાર હોવાનું મોરબી સિરામીક એસોસિએશન પ્રમુખ મુકેશ કુંડારિયાએ સત્તાવાર રીતે જાહેર કર્યું છે.

ચીનને હંફાવી વિશ્વભરમાં છવાઈ ગયેલા મોરબીના સિરામીક ઉદ્યોગની માઠી દશા બેઠી હોય તેવી સ્થિતિ વચ્ચે ગત ઓગસ્ટ માસથી અવિરત વધી રહેલા નેચરલ ગેસના ભાવ વધારાને કારણે સિરામીક ઉદ્યોગને મરણતોલ ફટકો પડયો છે અને બાકી હતું તો અન્ય રોમટિરિયલના ભાવમાં પણ નેચરલ ગેસની જેમ જ બમણા જેટલો ભાવ વધારો થયો છે. બીજી તરફ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માંગ તળિયે બેસી જતા સિરામીક ઉદ્યોગ સરકારની ઉદાસીન નીતિને કારણે ડચકા ખાતો થતા આગામી 10 ઓગસ્ટથી 600થી 700 જેટલા એકમો એક મહિના માટે બંધ કરવામાં આવનાર હોવાનું મોરબી સિરામીક એસોસિએશન પ્રમુખ મુકેશ કુંડારિયાએ જણાવ્યું હતું.

- text

વધુમાં હાલમાં 50થી 70 જેટલા સિરામીક એકમો બંધ છે ત્યારે આગામી 10 ઓગસ્ટથી વિટરીફાઇડ, પાર્કિંગ અને પોર્સલિન ટાઇલ્સનું ઉત્પાદન કરતા 400થી વધુ એકમો બંધ કરવામાં આવશે સાથો – સાથ ફ્લોર ટાઇલ્સના પણ 150 જેટલા એકમો બંધ કરવા તૈયારી શરૂ કરવામાં આવી છે.

બીજી તરફ મોરબી સિરામીક ક્લસ્ટર હેઠળ આવેલા વોલ ટાઇલ્સ એકમો પણ એક મહિનામાં માટે બંધ કરવા અંગે ટૂંક સમયમા નિર્ણય લેવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. એક સાથે 80 ટકાથી 90 ટકા સિરામીક કારખાનાઓ બંધ થવાથી શ્રમિકોને રોજગારી ઉપરાંત ટ્રાન્સપોર્ટ સહિતના અન્ય ધંધાઓને પણ મરણતોલ ફટકો પડવાની સાથે ગુજરાત ગેસ કંપનીને પણ જોરદાર રેલો આવે તેમ હોવાનું મનાય રહ્યું છે.

અંતમાં સિરામીક એસોસીએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ ઉમેર્યું હતું કે હવેથી દર વર્ષે સિરામીક ઇન્ડસ્ટ્રીઝમાં એક મહિના માટે શટ ડાઉન માટે ગંભીર પણે વિચારણા ચાલી રહી છે અને શટ ડાઉન બાદ ટાઇલ્સ સહિતની સિરામીક પ્રોડક્ટના ભાવમાં વધારો કરવા પણ નિર્ણય લેવામાં આવે તેવા સંકેતો તેમને આપ્યા હતા.

- text