આને મંદી નો નડે ! પારકી જમીનમાં રસ્તો કાઢી 1550 ચોરસમીટર જમીન હડપ કરી લીધી 

- text


મોરબીના ભ્રષ્ટ સરકારી તંત્રએ બોગસ સંમતિ પત્રકને આધારે બિનખેતી પણ કરી દીધી : ઉંચી માંડલની સીમમાં થયેલ કૌભાંડ મામલે લેન્ડગ્રેબિંગ

મોરબી : જમીન કૌભાંડ નગરી રાજકોટની જેમ મોરબી જિલ્લામાં પણ ધીમે-ધીમે પારકી જમીન પચાવી પાડવાના કૌભાંડો બહાર આવી રહ્યા છે ત્યારે મોરબીના ઉંચી માંડલ ગામે કિંમતી જમીન પચાવી પાડવા શેઢા પાડોશીએ બોગસ સંમતિ પત્રક બનાવી 1550 ચોરસમીટર જગ્યા રસ્તાના નામે હડપ કરી લેતા આ મામલે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. જો કે આશ્ચર્ય તો એ વાતનું છે કે આ જમીન કૌભાંડમાં બોગસ સંમતિ પત્રકની ચકાસણી કર્યા વગર બિનખેતીના હુકમ કરી આપનાર ભ્રષ્ટ અધિકારીઓ પણ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે ચાર ભાઈઓ વચ્ચે સંયુક્ત ખેતીની જમીન ધરાવતા અને રાજકોટ રહેતા વિરજીભાઇ રામજીભાઇ કાલરીયાએ હાલમાં મોરબી આલાપ રોડ ઉપર અંજની સોસાયટીમાં રહેતા આરોપી વલમજીભાઇ ભુદરભાઇ કાલરીયા અને ગૌતમ સોસાયટી પ્લોટ નં.-૧૫, નટરાજ પાન પાછળ, રવાપર રોડ, મોરબી ખાતે રહેતા પરેશભાઇ ધનજીભાઇ પાચોટીયા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

- text

વધુમાં વિરજીભાઇ રામજીભાઇ કાલરીયાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓની સંયુક્ત માલીકીની ઉંચી માંડલ ગામના સીમ સર્વે નંબર ૧૨૬/૧ પૈકી-૧ ની જમીન આવેલી છે જે જમીનના ખોટા સંમતીપત્રક બનાવી લઈ શેઢા પાડોશી એવા આરોપી વલમજીભાઇ ભુદરભાઇ કાલરીયા અને આરોપી પરેશભાઇ ધનજીભાઇ પાચોટીયાએ વીરજીભાઈની માલિકીની જમીનમાં તેમનો રસ્તો નીકળતો ન હોવા છતાં ખોટા પુરાવા ઉભા કરી વીરજીભાઈના ચાર ભાઈઓના ફોટાને બદલે અન્યના ફોટાવાળા સંમતીપત્રક બનાવી કરોડોની કિંમતી એવી 1550 ચોરસમીટર જમીન હડપ કરી લેતા આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં આઇપીસી કલમ ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૧૪ તથા ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ ની કલમ ૪(૧)(૩), ૫(ગ) મુજબ ગુન્હો દાખલ કરાયો છે.

ઉલ્લેખનીય છે કે આરોપીઓએ ભ્રષ્ટ સરકારી અધિકારીઓ સાથે મિલાપી પણું કરી ઉંચી માંડલ ગામની આ પારકી જમીન અંગે નગરનિયોજક કચેરીમાં લે-આઉટ પ્લાન પણ મંજુર કરાવી લીધો હોય આ પ્રકરણમાં જો ઊંડાણ પૂર્વકની તપાસ કરવામાં આવે તો લાંચિયા અધિકારીઓના પણ તપેલા ચડી જાય તેમ હોવાનું મનાઈ રહ્યું છે.

- text