મોરબી એરપોર્ટના કામમાં અંતરાય : ખેડૂતોના રસ્તાનો પ્રશ્ન ઉભો થતા દીવાલની કામગીરી બંધ 

- text


એરપોર્ટની દીવાલ બને તો ખેડૂતોને વાડીએ જવા આવવાનું બંધ થાય તેમ હોવાથી ઉગ્ર વિરોધ : 60 ટકા દીવાલની કામગીરી પૂર્ણ 

મોરબી : મોરબીની ભાગોળે રાજપર રોડ ઉપર બની રહેલા એરપોર્ટના કામમાં ખડુ થયું છે, તંત્ર દ્વારા એરપોર્ટ ફરતે સાડાપાંચ કિલોમીટરની લંબાઈની દીવાલ બનાવવાની કામગીરીમાં હવે જો આગળ દીવાલ બનાવવામાં આવે તો ખેડૂતોને આવન જાવનનો માર્ગ બંધ થઈ જાય તેમ હોવાથી અંદાજે 40 ટકા બાકી દીવાલ બનાવવાની કામગીરી તંત્રને અટકાવી દેવા ફરજ પડી છે અને આ મામલે જિલ્લા કલેકટર દ્વારા મામલતદાર સહિતના અધિકારીઓને ઘટનાસ્થળે દોડાવ્યા હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીને એરપોર્ટની સુવિધા મળે તે માટે સરકાર દ્વારા રાજપર રોડ ઉપર આવેલી રાજાશાહી વખતની એરસ્ટ્રીપ વિકસાવી એરપોર્ટ નિર્માણ કરવા મંજૂરી આપતા મોરબી માર્ગ અને મકાન વિભાગ દ્વારા સૂચિત નવા એરપોર્ટ ફરતે અંદાજે સાડા પાંચ કિલોમીટર લંબાઈની દીવાલની કામગીરી રૂપિયા સાડાચાર કરોડના ખર્ચે શરૂ કરવામાં આવી હતી.

- text

બીજી તરફ એરપોર્ટની દીવાલને કારણે આજુબાજુના અનેક ગામોના ખેડૂતોના હલણ બંધ થઇ જાય તેવી પરિસ્થિતિ હોય આગામી ખરીફ સીઝનમાં ખેડૂતોને વાડીએ કેમ પહોંચવું તેવો ગંભીર પ્રશ્ન ઉભો થતા ખેડૂતોમાં વ્યાપક રોષ ઉઠતા હાલમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા એજન્સી પાસે દીવાલની બાકી રહેતી 40 ટકા જેટલી કામગીરી બંધ કરાવી દેવામાં આવી હોવાનું માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર હિતેશ આદ્રોજા જણાવી રહ્યા છે.

- text