રક્તદાનથી હાર્ટ એટેકનું જોખમ ઘટે છે ! આજે વિશ્વ રક્તદાતા દિવસ

- text


રક્તદાન એક, ફાયદા અનેક, એકના રક્તદાનથી ત્રણને નવજીવન મળે છે

મોરબી : 14 જૂન એટલે વિશ્વ રક્તદાતા દિવસ છે. રક્તજૂથોની શોધ કરનાર વૈજ્ઞાનિક કાર્લ લેન્ડસ્ટાઇનરની જન્મજયંતી નિમિત્તે દર વર્ષે વર્લ્ડ બ્લડ ડૉનર દિવસ ઊજવવામાં આવે છે. જેની શરૂઆત વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા વર્ષ 2004માં કરવામાં આવી હતી. રક્તદાનને મહાદાન કહેવામાં આવે છે. એક વખત રક્તદાન કરવાથી ત્રણ વ્યક્તિને જીવનદાન મળે છે. 18 વર્ષથી લઈ 62 વર્ષ સુધીની તંદુરસ્ત વ્યક્તિ કે જેનું વજન 50 કિલો કે તેથી વધુ હોય અને હિમોગ્લોબિન 12.5 કે તેથી વધુ હોય તેઓ દર ત્રણ મહિને નિયમિત રક્તદાન કરી શકે છે. સ્વસ્થ વ્યક્તિના શરીરમાં અંદાજે 6000 એમ.એલ.લોહી હોય છે, જેમાંથી માત્ર 350 એમ.એલ. કે 450 એમ.એલ. રક્તનું દાન કરવાનું હોય છે.

રક્તદાન કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ, બ્લડપ્રેશર તેમજ આર્યન તત્વ જળવાઈ રહેતું હોવાનું નિષ્ણાતો જણાવે છે. રક્તદાન કરવાથી હૃદયસંબંધી સમસ્યાઓ સર્જાવાની સંભાવના ઘટી જાય છે. ખાસ કરીને પુરુષોમાં રક્તદાન કરવાથી રક્તમાં લોહતત્વનું પ્રમાણ જળવાઈ રહે છે જેથી હૃદયરોગના હુમલાની શક્યતામાં નોધપાત્ર ઘટાડો કરી શકે છે.

- text

એક સર્વે પ્રમાણે નિયમિત રક્તદાન કરવાથી કેન્સર જેવા મહારોગ થવાની શક્યતા ઘટી જાય છે. તેમજ આ રક્ત 48 કલાકમાં નવું બની જતું હોય છે અને 21 દિવસે સેલ બનાવાનું ચાલું થાય છે. નવા લોહીના લીધે રોગપ્રતિકારક શક્તિ પ્રબળ બને છે. સરકાર દ્વારા 2016માં હાથ ધરવામાં આવેલો સર્વે દર્શાવે છે કે ભારતની વાર્ષિક રક્તની જરૂરિયાત 24 કરોડ રક્ત યુનિટ છે. જેમાંથી 14 કરોડ રક્ત યુનિટ જ વર્ષે ઉપલબ્ધ રહે છે એટલા માટે હજુ પણ 10 કરોડ રક્ત યુનિટની ઘટ જણાઈ રહી છે. તેથી તમામ રક્તદાતાઓને રક્તદાન કરવા માટે અને આ યોગદાન દ્વારા રાષ્ટ્રની સેવામાં સહભાગી થવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

અત્યાર સુધીમાં કૃત્રિમ અંગોની શોધ શક્ય બની છે પરંતુ અનેક પ્રયત્નો પછી પણ લેબોરેટરીમાં બ્લડ બનાવાનું શક્ય બની શક્યું નથી એટલા માટે લોકોએ વધુમાં વધુ પ્રમાણમાં રક્તદાન કરી લોકોને મદદરૂપ થવું જોઈએ.

- text