ટંકારામાં ટીસીમાં ભડાકા, શહેરમાં લાઈટ ગુલ

- text


પીજીવીસીએલની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલી : વીજ પુરવઠો ખોરવાતા ગરમીથી લોકો આકુળવ્યાકુળ

ટંકારાઃ ટંકારા પંથકમાં વરસાદનું આગમન થતાં જ પીજીવીસીએલની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલી ગઈ છે. ગઈ કાલે આખો દિવસ બફારો રહ્યા બાદ સાંજે વરસાદનું આગમન થતાં ટંકારા શહેર ઉપરાંત મિતાણા, નેકનામ, સજનપર, લજાઈ, અમરાપર, ટોળ, રોહીશાળા, હરીપર, ભુતકોટડા સહિતના ગામોમાં વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો. ત્યારે વરસાદ પડતાંની સાથે જ ટંકારા શહેરમાં વીજળી ગુલ થઈ ગઈ હતી.

- text

બીજી તરફ ટંકારા શહેરમાં ટાઉનના ટીસીમા ભડાકા સાથે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો જેના કારણે સમગ્ર શહેરમાં અંધારપટ છવાઈ ગયો હતો અને લોકોએ અસહ્ય ગરમીનો સામનો કરવો પડ્યો હતો. પીજીવીસીએલની આ પ્રકારની કામગીરી સામે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને આ પરિસ્થિતિ દરેક ચોમાસામાં બનતી હોવાનું લોકો કહી રહ્યા છે.

મહત્વનું છે કે ચોમાસાના આગમન પહેલાં પ્રિ મોન્સુન કામગીરીને લઈને તંત્ર દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવતી હોય છે. ત્યારે આ વાતો માત્ર કાગળ પર જ હોય તેવું હાલ જણાઈ રહ્યું છે. પ્રથમ વરસાદમાં જ ટંકારામાં આ સ્થિતિ ઉદભવી છે તો આગામી સમયમાં શું થશે તે અંગે લોકો પણ ચિંતિત છે.

- text