સ્કોલરશીપ પરીક્ષામાં કપોરીવાડી શાળાના 4 અને વાઘપર પ્રા. શાળાના બે વિદ્યાર્થીઓએ મેળવ્યું મેરિટમાં સ્થાન

- text


મોરબીઃ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દર વર્ષે લેવાતી નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશિપ(NMMS) પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં મોરબી જિલ્લાની કપોરીવાડી પ્રાથમિક શાળાના 4 વિદ્યાર્થીઓ અને વાઘપર પ્રાથમિક શાળાના 2 વિદ્યાર્થીઓએ મેરિટમાં સ્થાન મેળવ્યું છે.

કપોરીવાડી પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ડાભી અલ્પાએ મોરબી જિલ્લામાં 10મો નંબર અને મોરબી તાલુકામાં બીજો નંબર મેળવ્યો છે. આ ઉપરાંત શાળાની ડાભી રાજેશ્વરી, નકુમ નિલેશ અને ચાવડા જિજ્ઞેશે પણ પરીક્ષામાં સફળતા મેળવીને મેરિટમાં સ્થાન મેળવ્યું છે. મેરિટમાં સમાવેશ થવા તેમજ શાળાનું નામ રોશન કરવા બદલ શાળા પરિવાર તરફથી ચારેય વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે.

- text

જિલ્લાની વાઘપર પ્રાથમિક શાળાના ધોરણ-8ના, 2-વિદ્યાર્થીઓ પટેલ ઉર્જા અને સનાવડા ધર્મએ પરીક્ષા પાસ કરી મેરિટમાં સ્થાન મેળવ્યું છે. આ તકે તમામ વિદ્યાર્થીઓને અને પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવનાર ગણિત-વિજ્ઞાન શિક્ષક અમિતભાઇ લોરીયા, આચાર્યશ્રી રમેશભાઈ વાઘેલા અને શાળા પરિવારને ચોતરફથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. ગત વર્ષે વાઘપર પ્રા. શાળામાં ધોરણ-8માં કુલ 15 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, તેમાંથી 7 વિદ્યાર્થીઓએ NMMSની પરીક્ષા આપી હતી તે તમામ 7 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં પાસ થતા શાળાનું 100% પરિણામ આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 7 વર્ષથી શ્રી વાઘપર પ્રા. શાળામાં NMMS પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે અને સાતેય વર્ષ શાળાનું પરિણામ 100 ટકા આવ્યું છે.

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દર વર્ષે લેવાતી નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશિપ(NMMS) પરીક્ષામાં પાસ થઈ મેરિટ લિસ્ટમાં સમાવેશ થનાર વિદ્યાર્થીઓને રૂ.48,000 જેટલી માતબર શિષ્યવૃત્તિ સરકાર તરફથી આપવામાં આવે છે.

- text