ચોર પે મોર ! વાંકાનેરના સરતાનપર ગામે બે ચોરને ઠમઠોરી નાખ્યા

- text


મધ્યરાત્રીએ ચોકી પહેરો કરતા ગ્રામજનોએ તસ્કરોને આબાદ ઝડપી લઈ પોલીસને સોંપી આપ્યા

મોરબી : મોરબીના હળવદ તાલુકામાં તસ્કરોએ માઝા મૂકી ઉપરાછાપરી ચોરીની ઘટનાને અંજામ આપતા જિલ્લાભરમાં ગ્રામજનો જાગૃત બની વારાપ્રમાણે ચોકીપહેરો કરી રહ્યા છે ત્યારે ગઈકાલે રાત્રીના વાંકાનેરના સરતાનપર ગામે ચોરી કરવા આવેલા બે ઈસમોને ગ્રામજનોએ ઝડપી લઈ બરાબરનો મેથીપાક આપી ઠમઠોરી વાંકાનેર તાલુકા પોલીસને હવાલે કર્યા હોવાનું જાણવા મળે છે. તસ્કરોને પ્રસાદી આપી રહેલા ગ્રામજનોનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

મોરબી જિલ્લામાં ખાસ કરીને હળવદ તાલુકામાં તસ્કરોએ ઉપાડો લઈ રોજે રોજ ચોરી કરી રહ્યા હોય સમગ્ર જિલ્લામા લોકો આત્મનિર્ભર ભારતના સૂત્રને સાર્થક કરવા જાતે જ ઉજાગરા કરી રાત્રી રોન લગાવી રહ્યા છે ત્યારે વાંકાનેરના સરતાનપર ગામે ગત મોડીરાત્રીના તસ્કરો ચોરી કરવા ગામમાં ઘુસતા ચોરને પકડવા ઉજાગરા કરી રહેલા ગ્રામજનોએ બન્ને તસ્કરોને પકડી પાડી પોલીસની જેમ આગવી ઢબે સરભરા કરતા બન્ને તસ્કરોએ ચોરી કરવા આવ્યા હોવાની કબૂલાત આપી હતી.

- text

વધુમાં જાગૃત જનતાએ બન્ને તસ્કરોને ચોકડી લઈ ગામની વચ્ચે લઈ જઈ બરાબરનો મેથીપાક આપી તસ્કરો ચોરી કરવાની ખો ભૂલી જાય તેવી રીતે ઠમઠોરી બાદમાં વાંકાનેર તાલુકા પોલીસને હવાલે કરતા વાંકાનેર તાલુકા પોલીસે બન્ને ચોરનો કબ્જો સાંભળ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text