મોરબીમાં વારંવાર વીજળી ગુલની સમસ્યાથી લોકો ત્રાહિમામ

- text


પરાબજાર મેઈન રોડ સહિતના મોટાભાગના વિસ્તારોમાં દરરોજ અનેકવાર વીજ પુરવઠો ખોરવાઈ જતા ભારે રોષ, સતત લાઈટની આવન જાવનથી શોર્ટ સર્કિટને કારણે ઈલેક્ટ્રોનિકસ ઉપકરણો બળી જવાની ભીતિ

મોરબી : મોરબીમાં વીજ ધાંધિયાની સમસ્યા ઘણી વિકટ બની ગઈ છે. દિવસ દરમિયાન સતત લાઈટ આવ-જા કરતી હોય તેમાંય પણ અમુક વિસ્તારમાં ઘણીવાર કલાકો સુધી વીજળી ગુલ રહેતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જેમાં પરાબજાર મેઈન રોડ સહિતના મોટાભાગના વિસ્તારોમાં દરરોજ અનેકવાર કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાઈ જતા ભારે રોષ વ્યાપી ગયો છે.

મોરબીમાં ઉનાળો શરૂ થતાની સાથે વીજખાદ્યમાં બમ્પર વધારો થતાં વીજળી વેરણ બની ગઈ છે. આખા દિવસમાં અનેક વખત વીજળી ગુલ થઈ જાય છે. ઘણીવાર તો વીજળી કલાક સુધી ગુલ રહે છે. હાલ કાળઝાળ ગરમી છે. લાઈટ વગરમાં એક સેકન્ડ પણ ઘરોમાં કે ઓફિસમાં રહી શકાય એમ નથી. ત્યારે કલાકો સુધી વીજળી ગુલ રહેવાથી લોકોની હાલત કફોડી બની જાય છે.

- text

શહેરના પરાબજાર મેઈન રોડ વિસ્તારના એક જાગૃત નાગરિકના જણાવ્યા મુજબ તેમના વિસ્તારમાં ઘણા સમયથી વીજળી ગુલ થવાની સમસ્યા છે. આખા દિવસમાં અનેક વખત લાઈટ જતી રહે છે. તેમજ રાત્રે પણ કલાકો સુધી વીજળી ગુલ રહે છે. આ ઉપરાંત શહેરના સાવસર પ્લોટ, નહેરુ ગેઇટ વિસ્તાર, ગ્રીનચોક, સામાકાંઠાના અનેક વિસ્તારોમાં દિવસ દરમિયાન 15 વખત લાઈટ આવ-જા કરે છે. સતત લાઈટની આવન જાવનથી શોર્ટ સર્કિટને કારણે ઈલેક્ટ્રોનિકસ ઉપકરણો બળી જવાની ભીતિ રહે છે.

મોટાભાગના વેપારીઓ સહિતનાના કામકાજ ઓનલાઈન થઈ ગયા હોય લાઈટ ગુલ થવાથી આ લોકોના કામકાજ ઉપર માઠી અસર સર્જાઈ છે. લોકોની એવી પણ ફરિયાદ છે કે, લાઈટ જાય પછી વીજ તંત્રનો ફોન ઘણીવાર લાગતો નથી અને ફોન લાગે તો ફરિયાદ કરવા છતાં તેનો ઉકેલ આવતો નથી. આથી આ બાબતે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકોએ માંગ ઉઠાવી છે.

- text