માળિયાના વાધરવા ગામે એક સાથે ચાર મકાનમાં ચોરી

- text


તસ્કરો સોના, ચાંદીના દાગીના અને રોકડ મળી રૂપિયા 3.70ની માલમતા લઇ ગયા

માળીયા : માળીયા તાલુકાના વધારવા ગામે તસ્કરોએ તરખાટ મચાવી એક સાથે ચાર ચાર મકાનોને નિશાન બનાવી ઘરધણીને સુતા રાખી રોકડ, દાગીના સહિત રૂપિયા 3.70 લાખની માલમતાની ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના વધારવા ગામે દરિયાલાલ શેરીમાં ગઈકાલે રાત્રે તસ્કરોએ તરખાટ મચાવી ઘરધણી ઘરમાં જ હોવા છતાં ત્રણ મકાનમાં નિરાંતે હાથ ફેરો કર્યો હતો જેમા પ્રથમ ચોરીની ઘટના ટ્રક ડ્રાઇવિંગ તેમજ ખેતીવાડીનો વ્યવસાય કરતા મનહરભાઇ ભારમલભાઇ બોરીચાના ઘરમાં થઈ હતી.

મનહરભાઈના ઘરમાંથી તસ્કરો લોખંડના કબાટ તોડી કબાટમા રાખેલ રોકડા રૂપીયા 2.34 લાખ તેમજ 14 હજારની કિંમતના સોના ચાંદીના દાગીના ઉઠાવી ગયા હતા.

- text

આ ઉપરાંત મનહરભાઈની બાજુમાં રહેતા દિગ્વિજયસિંહ બળવંતસિંહ જાડેજા તેમજ તેમના ભાઈ નિતરાજસિંહ બળવંતસિંહ જાડેજાના મકાનમાંથી પણ તસ્કરોએ ચોરી કરી હતી જેમાં બન્ને મકાનમાં લોખંડના કબાટમાંથી સોના ચાંદીનાના દાગીના કી.રૂ. 1.22 લાખના મળી કુલ ત્રણેય મકાનમાંથી તસ્કરો રૂપીયા 3.70 લાખની માલમતા ચોરી કરી ગયા હતા.

આ ઉપરાંત તસ્કરોએ અશોકસિંહ પ્રવિણસિંહ જાડેજાના મકાનમા ઘુસી ચોરી કરવા પ્રયાસ કર્યો હતો પરતું તેમના મકાનમાંથી કઇ હાથ લાગ્યું ન હતું. આમ એક જ રાત્રીમાં ચાર ચાર મકાનને નિશાન બનાવી તસ્કરો રૂપિયા 3.70 લાખની ચોરીને અંજામ આપતા માળીયા પોલીસે મનહરભાઈની ફરિયાદને આધારે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text