મોરબીના કલોલા પરિવારની ઇકોફ્રેન્ડલી કંકોત્રી : લગ્ન બાદ ફૂલોના છોડ ઉગશે

- text


લગ્નપ્રસંગને યાદગાર બનાવવાની સાથે સગા-સંબંધીઓને ઉપયોગી થાય તેવો નવતર પ્રયોગ

કપાસથી બનાવેલા કાગળમાં રહેલા બીજ સુરક્ષિત રહે તે રીતે પ્રિન્ટ કરી કંકોત્રી જાતે તૈયાર કરી

મોરબી : હાલ લગ્નની સીઝન ધૂમ મચાવી રહી છે. લગ્નપ્રસંગે પધારવાનું આમંત્રણ આપવા કંકોત્રી મોકલવામાં આવે છે. ત્યારે મોરબીના કલોલા પરિવારે લગ્નપ્રસંગને ખાસ બનાવવા ઇકોફ્રેન્ડલી કંકોત્રી સગા-સંબંધીઓને વહેંચી છે. જેમાં કપાસથી બનાવેલા કાગળમાં રહેલા બીજ સુરક્ષિત રહે તે રીતે પ્રિન્ટ કરી કંકોત્રી જાતે તૈયાર કરવામાં આવી છે. લગ્ન બાદ કુંડામાં કંકોત્રીના કાગળને પલાળી રાખતા બીજમાંથી છોડ ઉગશે.

હાલ લગ્નની સીઝનમાં ભરતગૂંથણ, મીઠાઈના બોક્સ, ચકલી ઘર જેવી અવનવી કંકોત્રીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ત્યારે મોરબીમાં આવેલ નિર્મલ વિદ્યાલયના શિક્ષક ગીરીશભાઈ કલોલાએ તેમના પુત્ર મિતના શુભ લગ્ન રાજકોટ નિવાસી અરવિંદભાઈ વાછાણીની પુત્રી સ્વાતિ સાથે નિર્ધારિત થતા લગ્નપ્રસંગમાં ઇકોફ્રેન્ડલી કંકોત્રીનો નવતર પ્રયોગ કર્યો છે. આ કંકોત્રીના કાગળમાં વિવિધ ફૂલોના બીજ છે. લગ્નપ્રસંગ સંપન્ન થયા બાદ કાગળને એક-બે દિવસ સુધી પલાળી માટી ભરેલા કુંડામાં રોપવાથી થોડા દિવસોમાં ફૂલોના છોડ ઉગશે. આમ, લગ્નપ્રસંગ બાદ સગા-સંબંધીઓના ઘરમાં ફૂલોની સુવાસ મહેકતી રહેશે.

લગ્નપ્રસંગની પળોને યાદગાર બનાવવા કંકોત્રીના કાગળ આગ્રાથી મંગાવી, બીજ બળી ન જાય એટલે સામાન્ય પ્રિન્ટરમાં પ્રિન્ટ કરી કંકોત્રી જાતે તૈયાર કરી : વરરાજા મિત

પોતાના લગ્નની ઇકોફ્રેન્ડલી કંકોત્રી બાબતે વરરાજા મિતભાઈએ જણાવ્યું છે કે તેમને પોતાના લગ્નપ્રસંગની પળોને યાદગાર બનાવવાની સાથે સગા-સંબંધીઓને ઉપયોગી થાય તેવું કઈંક અનોખું કરવાની ઈચ્છા હતી. આથી, ઓનલાઇન સર્ફિંગ કરી આ રીતની કંકોત્રી વિષે જાણ્યું. કંકોત્રીના કાગળ મોરબી કે રાજકોટમાં ઉપલબ્ધ ન હોવાથી ઓનલાઇન આગ્રાથી કાગળ મંગાવ્યા છે. આ કાગળ કપાસથી બનાવેલા છે. જેથી, કાગળ બનાવવામાં વૃક્ષોને હાનિ પહોંચી નથી. તેમજ કાગળની અંદર વિવિધ ફૂલોના બીજ મુકવામાં આવ્યા છે.

- text

કંકોત્રી માટે કાગળ તો મળી ગયા પણ હવે તેને પ્રિન્ટ કઈ રીતે કરાવી તે પ્રશ્ન ઉભો થયો. કાગળમાં રહેલા બીજ જેમના તેમ રહે, બળી ના જાય તે રીતે પ્રિન્ટ કરવું પડે. એટલે તેને જાતે ડિઝાઇન અને લખાણ તૈયાર કરી ઘર-ઓફિસમાં હોય તેવા માત્ર ઇન્કવાળા સામાન્ય પ્રિન્ટરમાં જાતે પ્રિન્ટ કરી. આમ, એક સંપૂર્ણ કંકોત્રી તૈયાર કરવામાં આશરે રૂ. 50 જેવો નજીવો ખર્ચ થયો છે. આ ઇકોફ્રેન્ડલી કંકોત્રીના નવતર પ્રયોગને સ્નેહીજનોએ બિરદાવી ખુશાલી વ્યક્ત કરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text