પાનેલી ગામની ગોપાલ સોસાયટીમાં પાણી પહોંચાડવા તાકીદે વ્યવસ્થા કરવાની માંગ

- text


ઉનાળામાં પાણીની તંગી થવાથી લત્તાવાસીઓ પરેશાન : રામ મંદિર ચોકની લાઈનનું કનેક્શન આપવા અપીલ

મોરબી : મોરબી તાલુકાના પાનેલી ગામની ગોપાલ સોસાયટીની શેરી નં. 1માં છેલ્લા 26 દિવસથી પાણી ન આવવાથી જિલ્લા કલેકટર મોરબી, જિલ્લા વિકાસ અધિકારી મોરબી, તાલુકા વિકાસ અધિકારી મોરબી, આરોગ્ય મંત્રી ગાંધીનગર, પાણી પુરવઠા વિભાગ મોરબીને સંબોધીને શેરીમાં રહેતા લોકો દ્વારા ઉચ્ચ કક્ષાએ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.

પાનેલી ગામની ગોપાલ સોસાયટીના રહીશો વતી જાગૃત નાગરિક મહેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલી લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે ગોપાલ સોસાયટી શેરી નંબર-૧માં ચાવડા ઠાકરશીભાઈ શીવાભાઈના ઘરેથી લઈને જારિયા નારણભાઈ કાળુભાઈના ઘર સુધીમાં પાણી આવતું નથી. તો રામ મંદિરના ચોકમાંથી આવતી પાણીની લાઈન, જે ચાવડા નારણભાઈ ધનજીભાઇના ઘર સુધી નાખવામાં આવેલ છે, તે લાઈનમાંથી ગોપાલ સોસાયટીના રહેવાસીઓને પાણીનું કનેક્શન લેવા માટે મંજૂરી આપવામાં આવે એવી વિનંતી કરાઈ છે.

- text

આ ઉપરાંત, ગ્રામ પંચાયતના પદાધિકારીઓ ચૂંટણી સંદર્ભે ભેદભાવ રાખી ઇરાદાપૂર્વક પાણી આપતા નથી અને હેરાન કરે છે. ઉનાળાની સીઝનમાં પાણીની તંગી થવાથી જીવનનિર્વાહને અસર પહોંચે છે. સરપંચ પાણી આપતા નથી અને આપવા દેતા નથી. સરપંચે અમને મત આપેલ નથી એટલે પાણી આપવું નથી, તેમ જણાવી પાણી આપવાનું બંધ કરી દીધેલ છે. આથી, લત્તાવાસીઓ હેરાનગતિ ભોગવે છે. જો 24 કલાકમાં પાણી આપવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપી છે.

રહેવાસીઓએ આ બાબતે ગત તા. 6ના રોજ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને રજૂઆત કરી હતી. પરંતુ શેરીમાં પાણી આપવામાં આવેલ નથી. તો પાણી જેવી જીવન જરુરી વસ્તુ તાત્કાલિક ધોરણે આપવામાં આવે તેવી અપીલ કરાઈ છે.

- text