ખોખરા હનુમાન ધામ સાથે મારો મર્મ અને કર્મનો નાતો રહ્યો છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

- text


રામકથાના સમાપનમાં આજે વડાપ્રધાને વર્ચ્યુઅલી જોડાઈને મોરબી સહીત દેશવાસીઓને સંબોધન કર્યું
પ્રધાનમંત્રીએ મોરબીના સંસ્મરણો વાગોળ્યા, કેશવાનંદ બાપુને યાદ કર્યા, હનુમાનજીની રામભક્તિને પ્રણામ કર્યા
કાર્યક્રમમાં રાજકીય અગ્રણીઓ અને સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા : બહોળી સંખ્યામાં ભાવિકોએ પી.એમ.ના ઉદબોધનનો લાભ લીધો

મોરબી : મોરબી તાલુકાના ભરતનગર નજીક ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે આયોજિત રામકથાના સમાપનમાં આજે વડાપ્રધાનની વર્ચ્યુઅલ જોડાઈને મોરબી સહીત દેશવાસીઓને સંબોધન કર્યું હતું. સંબોધનમાં વડાપ્રધાને ખોખરા હનુમાન ધામ સાથે મારો મર્મ અને કર્મનો નાતો રહ્યો હોવાનું જણાવી મોરબીના સંસ્મરણો વાગોળ્યા, કેશવાનંદ બાપુને યાદ કર્યા, હનુમાનજીની રામભક્તિને પ્રણામ કર્યા હતા. આ કાર્યક્રમમાં રાજકીય અગ્રણીઓ અને સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ બહોળી સંખ્યામાં ભાવિકોએ પી.એમ.ના ઉદબોધનનો લાભ લીધો હતો.

મોરબી તાલુકાના ભરતનગર (બેલા) નજીક ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે ગુજરાતના ગૌરવ સમી રાજ્યની સૌથી ઊંચી 108 ફૂટની હનુમાનજી મહારાજની પ્રતિમાના અનાવરણ અવસર પર માં કનકેશ્વરીદેવી રામકથાનું રસપાન કરાવી રહ્યા છે. ભવ્ય રામકથાનો આજે અંતિમ દિવસ છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કથામાં વર્ચ્યુઅલી જોડાઈને મોરબી સહીત દેશવાસીઓને સંબોધન કર્યું હતું. પી.એમ.એ હિન્દીમાં સંબોધન શરુ કર્યાની થોડી જ મિનિટો બાદ ગુજરાતીમાં સંબોધન આપતા શ્રોતાગણોએ તાળીઓના ગડગડાટથી ગુજરાતી ભાષામાં સંબોધનને આવકાર્યું હતું.

આ વેળાએ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્ય, કચ્છના સાંસદ વિનોદ ચાવડા, રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા, ભાજપના રાષ્ટ્રીય સચિવ કૈલાશ વિજયવર્ગીય, રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ભાજપના પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથારિયા, ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ દિપીકાબેન સરડવા, કથાના મુખ્ય આયોજક અજય લોરીયા, 108 ફૂટની મૂર્તિના દાતા નંદા પરિવાર સહીત રાજકીય આગેવાનો અને સંતો-મહંતો સહીત બહોળી સંખ્યામાં ભક્તોએ રામકથાનો લ્હાવો લીધો હતો.

ખોખરા હનુમાન ધામ મારા નીજી ઘરેબાવાળી જગ્યા છે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રની ધરતીએ સંત, શૂરા અને દાતાની આગવી ઓળખ ધરાવતી ભૂમિ છે. મોરબીમાં કેશવાનંદ બાપુની તપોભૂમિ એવા ખોખરા હનુમાન ધામ મારા નીજી ઘરેબાવાળી જગ્યા છે. ખોખરા હનુમાન ધામ સાથે મારો મર્મ અને કર્મનો નાતો રહ્યો છે અને પ્રેરણાનો સ્તોત્ર રહ્યો છે. વર્ષો પહેલા ધામમાં બાપુના દર્શને અને તેમના જ્ઞાનનો લાભ લેવા આવતા ત્યારે મચ્છુ દુર્ઘટના વખતે બાપુએ કહેલું કે ઈશ્વરની ઈચ્છા હતી તો કસોટી થઇ ગઈ. હવે લાગી પાડવાનું છે, મોરબીને ભવ્ય બનાવવાનું છે. આમ, બાપુની વાતો આધ્યાત્મિક પણ માર્મિક રહેતી તેમ કહી બાપુની વિશેષતાને યાદ કરી હતી.

મોરબીમાં પણ આફતને અવસરમાં પલટવાની તાકાત છે

આ સાથે પી.એમ.એ મોરબીમાં મચ્છુ દુર્ઘટના સમયે સેવાકીય પ્રવૃત્તિથી ધમધમતા ખોખરા હનુમાન ધામમાં સ્વયંસેવક તરીકે જોડાઈ સેવા કરી હતી તે યાદ કરી મચ્છુ દુર્ઘટનાનો પાઠ કચ્છના ભૂકંપમાં કામગીરી કરતી વખતે લેખે લાગ્યો હોવાનું કહી તેઓ મોરબીની પવિત્ર ભૂમિના ઋણી હોવાનું જણાવ્યું હતું. તેમણે મોરબીના ઔદ્યોગિક પ્રગતિની નોંધ લઇ કહ્યું હતું કે કચ્છની જેમ મોરબીમાં પણ આફતને અવસરમાં પલટવાની તાકાત છે. મચ્છુ દુર્ઘટના પહેલા મોરબીમાં માત્ર ઇંટોના ભઠ્ઠા અને ચીમનીઓ દેખાતી હતી. પરંતુ આજે મોરબી અનેક નાના-મોટા ઉદ્યોગોથી ધમધમી વિશ્વ ફલક પર આન-બાન-શાન સાથે ઉભું છે. મોરબી, રાજકોટ અને જામનગરના વિશેષ ઉદ્યોગોથી આ ઉદ્યોગ ત્રિકોણ સૌરાષ્ટ્રમાં નવું મીની જાપાન સમાન બન્યું છે. તેમજ હવે તો કચ્છ પણ આ ઉદ્યોગ ત્રિકોણની પડખે હોય તેમ વિકાસ પામી રહ્યું છે.

સૌરાષ્ટ્રનો ગુજરાત ટુરિઝમમાં અમૂલ્ય ફાળો રહ્યો છે

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના યાત્રાધામનું કેન્દ્ર કાઠિયાવાડ બન્યો હોય તેમ હજારો લોકો અન્ય રાજ્યમાંથી ગુજરાત આવતા હોય છે, જે ટુરિઝમ માટે ઉપયોગી બને છે. તાજેતરમાં આયોજિત માધવપુર ઘેડના મેળામાં શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીના વિવાહ પ્રસંગે રુક્મિણીજીના પક્ષે સિક્કિમ, મણિપુરમાંથી લોકો આવ્યા હતા, જે ઉત્તર, પૂર્વ અને પશ્ચિમના રાજ્યોને જોડતું ઉત્તમ ઉદાહરણ છે. તેમજ તેઓ માટે પણ રોજગારનું મોટું સાધન બન્યું છે. તેમજ ગિરનારનો રોપવેનો પણ ગુજરાત ટુરિઝમમાં અમૂલ્ય ફાળો રહ્યો છે.

- text

આધ્યાત્મિક ક્ષેત્રે પણ સમય સાથે પરિવર્તન આવ્યું છે

આ સાથે પી.એમ. નરેન્દ્રભાઈ મોદીએ આધ્યાત્મિક ક્ષેત્રે પણ સમય સાથે આવેલા પરિવર્તનને બિરદાવી કહ્યું હતું કે હવે તીર્થધામોમાં ચોખ્ખાઈ જોવા મળી રહી છે. તેમ સંતો-મહંતો પોતાના પ્રવચનોમાં લોકોને સાફ-સફાઈ રાખવા જણાવે તેવી અપીલ કરી સંતો-મહંતોને કરી હતી. તેમજ આઝાદીના અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે 1857 પહેલા ઉભી થયેલી આધ્યાત્મિક પીઠિકાએ આઝાદીના આંદોલનમાં આધ્યાત્મિક ચેતના પ્રજ્વલિત કરી હોવાનું પણ યાદ કરી હતી.

દેશવાસીઓ પણ જાત-મહેનત કરી દેશમાં ઉત્પાદિત ચીજવસ્તુઓનો ઉપયોગ કરે

વધુમાં, નરેન્દ્રભાઈ મોદીએ વર્તમાનમાં ભારતને હવે આમ ને આમ રહેવું પાલવે તેમ નથી તેમ કહી ‘સર્વજન સુખાય’ના સૂત્રને અનુસરી આત્મનિર્ભર બનવું જોઈએ તેમ જણાવ્યું હતું. આ માટે તેમણે હનુમાન મહારાજની ભગવાન શ્રીરામ પ્રત્યેની ભક્તિનું દ્રષ્ટાંત આપી હનુમાનજીએ શ્રીરામ માટે જાત ઘસીને સેવા-સમર્પણ તથા ભક્તિની નવી ઊંચાઈ પ્રાપ્ત કરી હતી. તેમ ભારતવાસીઓ પણ જાત-મહેનત કરી દેશમાં ઉત્પાદિત ચીજવસ્તુઓનો ઉપયોગ કરે તે બાબતે ભાર મૂકી સંતો-મહંતોને પોતાના પ્રવચનોમાં લોકોને ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ની પ્રેરણા આપે તેવો અનુરોધ કર્યો હતો. તેમજ જેમ હનુમાનજી પોતાની તમામ સફળતાનો શ્રેય ભગવાન શ્રીરામને આપતા તેમ દેશની પ્રગતિ નાગરિકોના આધારે છે તેવો સુર વ્યક્ત કરી સંબોધન સંપન્ન કર્યુ હતું.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text