અગાઉ મંજુર થયેલ સરકારી મેડીકલ કોલેજ અન્યત્ર તબદીલ કરી મોરબીને અન્યાય : પૂર્વ ધારાસભ્ય

- text


સરકારી મેડીકલ કોલેજ મોરબી જીલ્લામાં કાર્યરત કરવાની માંગ સાથે મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી : મોરબી જીલ્લા માટે મંજુર થયેલ સરકારી મેડીકલ કોલેજ અન્યત્ર તબદીલ ન કરતા મોરબી જીલ્લામાં જ કાર્યરત કરવા બાબતે મોરબીના પૂર્વ ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

સમગ્ર ભારતમાં ડોક્ટર્સની ખોટને સરભર કરવા ગુજરાતના પ્રત્યેક જીલ્લામાં સરકારી મેડીકલ કોલેજ કાર્યરત કરવી જોઇએ. એવી વર્ષ 2013-’14ની રજુઆતના અનુસંધાનમાં તત્કાલીન મુખ્યમંત્રી તથા વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ બાબત લક્ષમાં લીધી હતી અને એ પ્રક્રિયા પૂર્ણ કરી મોરબીને મેડીકલ કોલેજ ફાળવી હતી. જેની જમીન સંપાદન કરવી, મકાન ન બને ત્યાં સુધી ગીબ્શન મીડલ સ્કૂલમાં ચાલુ કરવી, જનરલ હોસ્પીટલ મોરબીને અપડેટ કરવી જેવી પ્રક્રિયા ચાલુ હતી.

તાજેતરમાં વૈશ્વિક મહામારી કોવીડ-19માં પણ મોરબીમાં ડોકટર્સની ઘટ જણાઇ આવી હતી અને કોરોનાની સારવાર ઉચિત રીતે મળી શકી ન હતી. એવા સમયે મોરબી મુકામે મંજુર થયેલ સરકારી મેડીકલ કોલેજ અન્યત્ર તબદીલ કરવી એ મોરબી માટે ખૂબ જ અન્યાયકર્તા છે.

- text

મોરબી વિસ્તારમાં પ્રતિ વર્ષ સેંકડો વિદ્યાર્થીઓ ચીન, ફીલીપાઇન્સ, રશીયા, યુક્રેન, નેપાલ જેવા દેશોમાં એમ.બી.બી.એસ. કરવા માટે જાય છે. એવા સમયે મોરબી જીલ્લા માટે મંજુર થયેલ સરકારી મેડીકલ કૉલેજ અન્યત્ર તબદીલ કરવાનો નિર્ણય રદ્દ કરી મોરબીમાં જ કાર્યરત કરવાના આદેશો પુનઃ પ્રસિધ્ધ કરવા ભલામણ સાથે વિનંતી કરાઇ છે.

ઉલ્લેખનીય છે કે મોરબીને સરકારી મેડીકલ કોલેજ મળે તે માટે રાજકીય આગેવાનો અને સંસ્થાઓ આગળ આવી છે. ત્યારે મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

- text