મોરબીને સરકારી મેડિકલ કોલેજ માટે કોંગ્રેસ ચળવળ ચલાવશે : શક્તિસિંહ ગોહિલ

- text


સરકાર સામે અવાજ ઉઠાવનાર વિરુદ્ધ ખોટા કેસ અત્યાચાર થતા હોવાનો આરોપ : ગુજરાતમાં ભાજપ સરકારનો અહંકાર ચરમ સીમાએ હોવાનું જણાવતા શક્તિસિંહ

મોરબી : મોરબી ખોખરાધામ ખાતે આયોજિત રામકથામાં હાજરી આપવા આવેલા કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલે આજે મોરબીમાં પત્રકાર પરિષદને સંબોધી ભાજપ સરકારને આડેહાથ લઈ ગુજરાતમાં સરકાર સામે અવાજ ઉઠાવનાર વિરુદ્ધ ખોટા કેસ અત્યાચાર થતા હોવાનો આરોપ લગાવ્યો હતો સાથે સાથે મોરબીને સરકારી મેડિકલ કોલેજની જાહેરાત બાદ મળતીયાઓ માટે ખાનગી મેડિકલ શરૂ કરવાની હિલચાલ સામે પણ કોંગ્રેસ લડત આપી સરકારી કોલેજ માટે મોરબીમાં બિનરાજકીય ચળવળ શરુ કરશે તેમ જણાવ્યું હતું.

આજરોજ મોરબી આવેલા કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલે મધ્યસ્થ કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપ સરકારનો અહંકાર ચરમ સીમાએ પહોંચ્યો છે. આજે ગુજરાત સરકાર સામે આવાજ ઉઠાવનારા લોકોને જેલમાં પુરી દઈ અત્યાચાર ગુજરાવામાં આવે છે તેમ જણાવી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ તેમજ મહિલા પોલીસ કર્મચારી નીલમબેન ઉપર સરકારે ગુજારેલા સીતમો યાદ કરી સરકારને આડેહાથ લઈ સિતમ અત્યાચાર સામે કંસ અને અંગ્રેજોનું પણ પતન થયું હોવાનું કહી સરકાર ઉપર પ્રહાર કર્યા હતા.આ તકે શક્તિસિંહ ગોહિલે હાર્દિક પટેલ સામે રાજ્ય સરકારે કરેલા કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મળેલી રાહત તેમજ સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાત સરકારે સતાનો દુરુપયોગ કર્યો હોવાની ટકોર કર્યાનું પણ ઉમેર્યું હતું.

દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલે મોરબીને સરકારી મેડિકલ કોલેજને બદલે રાતોરાત ગુપચુપ રીતે મળતિયાઓને ફાયદો કરાવવા ખાનગી મેડિકલ કોલેજ શરૂ કરવાના સરકારના પ્રયાસોને વખોડી કાઢી મોરબીના હિતમાં કોંગ્રેસ સરકારી મેડિકલ કોલેજ માટે પુરેપુરી તાકાતથી લડાઈ આપશે તેમ જણાવી આવનાર દિવસોમાં મોરબીની સેવાભાવી સંસ્થાઓ આ માટે આગળ આવે તો તેમને બિનરાજકીય રીતે લડતમાં પણ કોંગ્રેસ દ્વારા પૂરતો સહયોગ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.

- text

સાંસદ શક્તિસિંહ ગોહિલે કેન્દ્ર-રાજ્યની ભાજપ સરકારના રાજમાં મોંઘવારીએ માઝા મૂકી હોવાનું જણાવતા કહ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં ક્રૂડઓઇલ સરેરાશ 100 ડોલરની આંતરરાષ્ટ્રીય સપાટીએ રહેવા છતાં પેટ્રોલ – ડીઝલના ભાવ ક્યારેય 100 રૂપિયા થયા ન હતા એ જ રીતે કોંગ્રેસના રાજમાં 400 રૂપિયામાં મળતો રાંધણગેસનો બાટલો આજે 1000 વટાવી ગયાનું જણાવી મોરબીના સીરામીક ઉદ્યોગને ગેસના ભાવ મામલે થઇ રહેલા અન્યાય સામે પણ ટકોર કરી હતી.

રાજ્યના શિક્ષણમંત્રીના વિવાદિત નિવેદન બાદ આજે શક્તિસિંહ ગોહિલે ગુજરાતમાં સરકારી શિક્ષકોની ઘટને કારણે સરકારી શાળામાં શિક્ષણ કથળ્યું હોવાનું ઉમેરી ભાજપના રાજમાં ખાનગી શાળાઓને લૂંટના પરવાના અપાયા હોવાથી ગુજરાતના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે યુક્રેન જવું પડતું હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત રાજ્યના શિક્ષકો સહિતના કર્મચારીઓને જૂની પેંશન યોજના અંગે અન્યાય થતો હોવાનું કહી રાજસ્થાનની કોંગ્રેસ સરકારે જૂની પેંશન યોજના અમલી બનાવી તો ગુજરાતમાં કેમ નહીં ? તેવો સવાલ ઉઠાવી ગુજરાતમાં કોંગ્રેસ સતાસ્થાને આવશે તો તુરત જ જૂની પેંશન યોજના શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

- text