મોરબીમાં યુવાનની હત્યા કરનાર બે મિત્રોને આજીવન કેદ

- text


2018 ના બનાવમાં મોરબીની ડિસ્ટ્રિક ઍન્ડ સેશન્સ કોર્ટ મહત્વપૂર્ણ ચુકાદો, ત્રણેય મિત્રોએ ટ્રેનમાં મુસાફરનું પાકિટ માર્યા બાદ ભાગબટાઈમાં ડખ્ખો થતા બે મિત્રોએ મળીને યુવાનનું કાસળ કાઢી નાખ્યું હતું

મોરબી : મોરબીના સામાકાંઠે વર્ષ 2018માં થયેલા યુવાનની હત્યામાં મોરબીની ડિસ્ટ્રિક ઍન્ડ સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જેમાં આ યુવાન અને તેના બે મિત્રો મળીને ત્રણેયે ટ્રેનમાં મુસાફરનું પાકિટ માર્યા બાદ ભાગબટાઈમાં ડખ્ખો થતા બે મિત્રોએ મળીને યુવાનનું કાસળ કાઢી નાખ્યાના બનાવમાં કોર્ટે બન્ને મિત્રોને આજીવન કેદની સજા ફટકારી છે.

આ બનાવની વિગત એવી છે કે, ગત તા.17/6/2018 ના રોજ મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ખારી યોગીનગરની ધાર પાસેથી એક અજાણ્યા યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધીને સઘન તપાસ ચલાવતા મૃતક મહેશભાઈ મુન્નાભાઈ બધુરીયા ઉ.વ.20 નામનો યુવક હોવાનું ખુલ્યું હતું. આથી આ બનાવ અંગે શંકાના દાયરા રહેલા તેના મિત્રોની તપાસ કરતા તેના બે મિત્રોએ હત્યા કરી હોવાનું ખુલ્યું હતું.

- text

પોલીસની તપાસમાં જાણવા મળતી વિગતો મુજબ અજય ઉર્ફે ચીનો જગદીશ રાવલ અને શૈલેષ ઉર્ફે તીતલી પોપટ ઉર્ફે ભોલો ઉર્ફે એલિયન રણછોડભાઈ ચાવડા અને મૃતક મહેશભાઈ મુન્નાભાઈ બધુરીયા એમ આ ત્રણેય મિત્રો હતા. જે તે વખતે આ ત્રણેય મિત્રોએ સાથે મળીને જેતપુર રાજકોટ ટ્રેનમાં એક મુસાફરનું પાકિટ માર્યું હતું. આ પાકિટમાં રૂ.8 હજાર હતા.બાદમાં યોગીનગર ઘાર પાસે આવી ત્રણેયે ફરી ચિલ્ઝડપ કરી હતી. જેની ભાગબટાઈ મામલે ડખ્ખો થતા બન્ને આરોપીઓએ યુવાનની છરીના ઘા ઝીકીને હત્યા કરી નાખી હતી.

જે તે સમયે પોલીસે બન્ને આરોપીઓને પકડીને ચાર્જશીટ દાખલ કર્યું હતું. દરમિયાન આ હત્યા કેસ આજે મોરબીની ડિસ્ટ્રિક ઍન્ડ સેશન્સ કોર્ટેમાં ચાલી જતા સરકારી વકીલ વિજયભાઈ જાનીની દલીલ તેમજ 45 દસ્તાવેજી પુરાવા અને 37 મૌખિક પુરાવાને ધ્યાને લઇ કોર્ટે બન્ને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી તેમજ રૂ.10 હજારનો દંડ ફટકાર્યો હતો.

- text