હળવદના રાયસંગપર ગામ પાસે ટ્રેકટર પલ્ટી જતા બે મહિલાના મોત

- text


મયુરનગરથી સિમેન્ટ ખાલી કરી ધ્રાગંધ્રા પરત જતી વખતે શ્રમિકોને નડ્યો ગોજારો અકસ્માત, અન્ય બે શ્રમિક ઘાયલ

હળવદ : હળવદ તાલુકાના રાયસંગપર ગામ પાસે આજે ટ્રેકટર પલ્ટી જતા બે શ્રમિક મહિલાના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય બે શ્રમિકોને ઇજા પહોંચી હતી. મયુરનગરથી સિમેન્ટ ખાલી કરી ધ્રાગંધ્રા પરત જતી વખતે શ્રમિકોને ગોજારો અકસ્માત નડ્યો હતો.

અકસ્માતની ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના રાયસંગપર ગામ પાસે આજે ટ્રેકટર પલ્ટી ખાઈ ગયું હતું.આથી ટ્રેકટરમાં બેઠેલા ધ્રાગંધ્રા એપીએમસીના શ્રમિક લલીતાબેન મધુભાઈ રાઠવા (ઉ.વ. 20) અને અનિતાબેન વેરસીભાઈ રાઠવાને(ઉ.વ. 13) ગંભીર ઇજા થવાથી આ બન્નેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય બે શ્રમિકો પ્રકાશભાઈ લીલાભાઈ અને વિરસિંગ કિશનભાઈને ઇજા પહોંચી હતી. આ બન્નેને સારવાર અર્થે હળવદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. તેમજ બન્ને મૃતકોને પણ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ શ્રમિકો ધ્રાગંધ્રા એપીએમસીમાં મજુરી કરતા હતા અને ત્યાંથી હળવદના મયુરનગરમાં ટ્રેકટરમાં સિમેન્ટ ભરીને ખાલી કરવા આવ્યા હતા. સિમેન્ટ ખાલી કરીને ટ્રેકટરમાં બેસી પરત મયુરનગરથી રાયસંગપર થઈ ધ્રાગંધ્રા જતી વખતે અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text

- text