2જી એપ્રિલે કેન્દ્રીય મંત્રી રૂપાલા મોરબીમાં : મયુર ડેરીના નવનિર્મિત ચિલિંગ સેન્ટરનું ઉદઘાટન કરશે

- text


પંચાસર રોડ ઉપર વિશાળ જગ્યામાં રૂપિયા 6.5 કરોડના ખર્ચે નિર્માણ થયેલ ચિલિંગ સેન્ટરના ઉદઘાટન પ્રસંગે રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ પણ હાજર રહેશે

મોરબી : મહિલા સશક્તિકરણના ઉત્તમ ઉદાહરણ સમાન મોરબી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની સ્થાપનાને પાંચ વર્ષ પૂર્ણ થતા જ મયુર ડેરી સ્વનિર્ભર બની છે અને રૂપિયા સાડા છ કરોડના ખર્ચે અત્રેના પંચાસર રોડ ઉપર ચિલિંગ પ્લાન્ટ નિર્માણ કરતા આગામી તા.2જી એપ્રિલના રોજ કેન્દ્રીય પશુપાલન મંત્રી પરસોતમભાઇ રૂપાલાના હસ્તે આ ચિલિંગ પ્લાન્ટનું રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઉદઘાટન કરાશે.

મોરબી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ એટલે કે મયુર ડેરીના સ્થાપક મગનભાઈ વડાવીયાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, મયુર ડેરીની સ્થાપનાને પાંચ વર્ષ પૂર્ણ થતા જ મહિલાઓ સંચાલિત મયુર ડેરી આત્મનિર્ભર બની છે જેના ફળ સ્વરૂપે સરકાર દ્વારા જમીનની ફાળવણી કરતા અહીંના પંચાસર રોડ ઉપર વિશાળ જગ્યામાં રૂપિયા 6.5 કરોડના ખર્ચે મયુર ડેરીના ચિલિંગ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. આ આધુનિક ચિલિંગ પ્લાન્ટનું આગામી તા. 2જી એપ્રિલે કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલાના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે.

- text

ઉલ્લેખનીય છે કે, આજરોજ મયુર ડેરીની સામાન્યસભા મળી હતી જેમાં દૂધ ઉત્પાદોને છેલ્લા 20 દિવસમાં રૂપિયા 30નો ભાવવધારો જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા મંજુર કરવામાં આવ્યો હોવાનું અને નાણાકીય વર્ષના અંતે સારો એવો ભાવફેર આપવા પણ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સંઘના ચેરપર્સન હંસાબેન વડાવિયા અને વાઇસ ચેરપર્સન ગાયત્રીબા નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

વધુમાં મયુર ડેરીના ચિલિંગ પ્લાન્ટના ઉદઘાટન પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, દેવાભાઇ માલમ, સાંસદ મોહનભાઇ કુંડારીયા, રાજકોટ ડીસ્ટ્રીકટ બેન્કના ચેરમેન જયેશભાઇ રાદડિયા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડીયા સહિતના અગ્રણીઓ હાજર રહેશે

- text