સરકારી શાળામાં સ્માર્ટ ક્લાસ માટે અનુદાન આપી માતાપિતાને શ્રદ્ધાંજલી અર્પતા બંધુઓ 

- text


હળવદની શાળા નંબર-4 ને રૂપિયા 1,11,111નું અનુદાન આપી સમાજને પ્રેરણા આપતો ગોઠી પરિવાર

હળવદ : હળવદના ગોઠી પરિવારના બે ભાઈઓએ માતાપિતાને ખરાઅર્થમાં શ્રદ્ધાંજલી પાઠવવા અનોખી અને પ્રેરણાદાયી પહેલ કરી સરકારી શાળાના બાળકો માટે સ્માર્ટ ક્લાસ નિર્માણ કરવા રૂપિયા 1,11,111નું અનુદાન આપી સમાજને પ્રેરણા પૂરી પાડી છે.

હળવદના સ્વ.લલિતાબેન ચમનભાઇ ગોઠી અને સ્વ.ચમનભાઈ ગાંડુભાઈ ગોઠીને સાચી શ્રદ્ધાંજલી અર્પવા તેમના બન્ને દીકરા ધમેન્દ્રભાઇ ચમનભાઇ ગોઠી અને પંકજભાઈ ચમનભાઇ ગોઠીએ પે સે.શાળા નંબર-4 હળવદ ખાતે બાળકોને ઉપયોગી સ્માર્ટ કલાસ બનાવવા માટે 1,11,111(એક લાખ,અગિયાર હજાર,એક સો એક)રૂપિયા રોકડા દાન આપીને સમાજ માટે પ્રેરણાદાયી કાર્ય કર્યું છે.

વધુમાં અનુદાનમાંથી શાળામાં ધોરણ-8માં એક વર્ગખંડમાં વ્યુ સોનિક કંપનીનું શોર્ટ થ્રો પ્રોજેક્ટર,ગીગા બાઈટ કંપનીના 2 મીની સી.પી.યુ., તથા સ્માર્ટ ટચ ઇન્ટરેક્ટિવ વાઈટ બોર્ડ તથા એન્ડ્રોઈડ ડિવાઇસ,પોઇન્ટર,વાયરલેસ માઉસ તથા કિ-બોર્ડ વગેરે આધુનિક ટેકનોલોજી લઈ આપીને આખો કલાસ સ્માર્ટ વર્ગખંડમાં નિર્માણ કરાવી આપ્યો હતો.

- text

આ તકે શાળા પરિવાર દ્વારા સ્વ.ચમનભાઈ ગાંડુભાઈ ગોઠીના બંને પુત્રો ધર્મેન્દ્રભાઈ તથા પંકજભાઈને શાળા પરિવાર વતી પુષ્પગુચ્છ આપી તથા શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા.શાળાના શિક્ષક વાસુદેવભાઈ ભોરણિયાએ જણાવ્યું હતું કે આજના સમયમાં લોકો દાન અન્ય ઘણી જગ્યાઓએ કરતા હોય છે પરંતુ આ બંને દીકરાઓ અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી હોય અને અમારી પાસે ભણેલ હોય શાળા પ્રત્યે લાગણી હોય શાળાને આવડી મોટી માતબર રકમ દાન આપીએ અન્ય વિદ્યાર્થીઓ અને લોકો માટે પ્રેરણા સમાન બની રહેશે. અંતમાં હરજીવનભાઈ પરમાર દ્વારા આવેલ અતિથિઓની આભારવિધિ કરવામાં આવી હતી.આ તકે શાળા પરિવાર વતી શાળાના આચાર્ય રાજેશભાઈ જાકાસણીયાએ દાતા પરિવારનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

- text