લોકો જાગે કોરોના ભાગે : હળવદની સુખપર ગ્રામ પંચાયતનો સ્તુત્ય પ્રયાસ

- text


મોટા શહેરોના બુદ્ધિજીવીઓ સમજતા નથી ત્યારે ગામડે લોકોને એકત્રિત નહીં થવા જાગૃતિ સંદેશ વહેતા કરી ઠેર-ઠેર પોસ્ટર્સ લગાવાયા

હળવદ : સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીની ત્રીજી લહેર દસ્તક દઈ ચુકી હોય તેવા સંકેતો વચ્ચે મોટા શહેરોમાં હજુ પણ રાજનેતાઓ અને અણસમજુ લોકો ભીડમાં ઉમટી કોરોના ગાઇડલાઇનનો છેદ ઉડાવી રહ્યા છે ત્યારે હળવદ તાલુકાના સુખપર ગ્રામપંચાયતના મહિલા સરપંચ દ્વારા લોકો જાગે કોરોના ભાગે સૂત્રને સાર્થક બનાવવા લોકોને બિનજરૂરી બહાર નહીં નીકળવા, માસ્ક પહેરવા અને સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરવાની શીખ આપતા પોસ્ટર સમગ્ર ગામમાં લગાવી જનજાગૃતિ માટે સરાહનીય પ્રયાસ કરાયો છે.

સુખપર ગ્રામ પંચાયતના સરપંચ શીતલબેન ભરતભાઈ લોદરીયા એ જણાવ્યું હતું કે, કોરોનાની સંભવીત ત્રીજી લહેરને લઈ ગ્રામજનો સ્વસ્થ અને સુરક્ષિત રહે તે માટે અમારી પંચાયત દ્વારા ગ્રામજનો જ્યારે પણ ઘરથી બહાર નીકળે ત્યારે માસ્ક અવશ્ય બાંધે,સામાજિક અંતર જાળવે તેમજ બહારગામથી આવતા લોકો પહેલા પંચાયતનો સંપર્ક કર્યા બાદ જ ગામમાં પ્રવેશ કરે તેમ સહિતના કોરોના સામે સજાગ રહેવા નિર્ણયો લેવાયા છે સાથે જ ગામમાં લોકો જાગૃત બને તે માટે થઈ જાહેર જગ્યાઓ અને દુકાનો પર કોરોના સામે જાગૃતિ આપતા સંદેશા વહેતા કરી પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે.

બીજી તરફ ગ્રામજનો પણ ગ્રામ પંચાયત અને સરપંચના પ્રયાસને આવકારી રહ્યા છે અને ગામમાં પાનના ગલ્લે કે અન્ય જાહેર સ્થળોએ એકત્રિત થવાને બદલે ઘરમાં જ સુરક્ષિત રહેવાનું પસંદ કરી કામ સિવાય બહાર જવાનું ટાળી પ્રવર્તમાન સ્થિતિમાં જાગૃત બન્યા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text