બાય-બાય ગુજરાત ગેસ ! વેલકમ પ્રોપેન – એલપીજી

- text


મોરબીના સિરામીક ઉધોગે ગુજરાત ગેસના એકચક્રી શાસનનો ઉકેલ શોધી કાઢ્યો : ગુજરાત ગેસથી સાત રૂપિયા સસ્તા પ્રોપેનનો ઉપયોગ પણ શરૂ

મોરબી : વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામીક હબ મોરબીમાં કોલગેસ પ્લાન્ટ બંધ થયા બાદ ગુજરાત ગેસનું એકચક્રી શાસન ચાલી રહ્યું છે અને છેલ્લા ત્રણ મહિનામાં ગુજરાત ગેસે આંતરરાષ્ટ્રીય બજાર કિંમતનું કારણ આગળ ધરી બમણા જેટલો ભાવ વધારો ઝીંકી દીધો છે ત્યારે પોતાની કોઠાસૂઝથી ચીનને હરાવનાર સિરામીક ઉદ્યોગપતિઓએ ગુજરાત ગેસની મોનોપોલી તોડી સસ્તા ઇંધણના વિકલ્પ રૂપે પ્રોપેન અને એલપીજી ગેસ અપનાવવાનું શરૂ કરી દેતા બાય-બાય 2021ને બદલે બાય-બાય ગુજરાત ગેસ વેલકમ પ્રોપેન – એલપીજીનું સૂત્ર મોરબીમાં ગાજવા લાગ્યું છે.

વૈશ્વિક માર્કેટમાં છવાઈ જઈ દેશને વર્ષે દહાડે 15 હજાર કરોડ રૂપિયાનું વિદેશી હૂંડિયામણ કમાઈ આપતા મોરબીના સિરામીક ઉધોગે કોરોના મહામારીની પ્રથમ અને બીજી લહેરમાં જ્યારે અન્ય ઉદ્યોગો ઠપ્પ હતા ત્યારે પણ રોજગારી આપવાની ચાલુ રાખી દેશ અને પરદેશમાં વિપરીત સંજોગોમાં પણ ઉદ્યોગ ચાલુ રાખી કેન્દ્ર અને રાજ્ય સરકારને ટેક્સ રૂપે કરોડો રૂપિયાની કમાણી કરાવી આપી હતી પરંતુ પાછલા ત્રણથી ચાર મહિનામાં સિરામીક ઉદ્યોગ ઉપર ગુજરાત ગેસ કંપનીના દ્વારા ઉપરા – છાપરી અસહ્ય ભાવ વધારો ઝીંકી દેતા સિરામીક ઉદ્યોગની જાણે કેડ ભાંગી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

ખાસ કરીને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશ બાદ મોરબીના સિરામીક ઉદ્યોગ માટે કોલગેસ બંધ થતાં એક માત્ર વિકલ્પ ગુજરાત ગેસ કંપની દ્વારા મોનોપોલી પૂર્વક પૂરો પડાતો પાઇપલાઇન ગેસ જ એક માત્ર ઇંધણ છે. જો કે, જુલાઈ – ઓગષ્ટ 2021 સુધી રૂપિયા 30થી 40ના ભાવે મળતો ગુજરાત ગેસ કંપનીના પાઇપ લાઇન ગેસના ભાવ રાજાની કુંવરીની જેમ દિવસે ન વધે તેટલા રાત્રે વધે તેવી સ્થિતિ વચ્ચે હાલમાં ડિસેમ્બર 2021માં 61 રૂપિયા સુધી પહોંચી જતા રો – મટીરીયલ, કન્ટેનર ભાડા, શિપિંગ ચાર્જ અને લોકલ ટ્રાન્સપોર્ટેશનના ભાવ વધારાનો માર સહન કરનાર સિરામીક ઉદ્યોગને અસ્તિત્વ ટકાવી રાખવા સામે પ્રશ્નાર્થ ખડો થઈ ગયો છે.

- text

જો કે મજાની વાત તો એ છે કે સ્વબળે દેશ જ નહીં દુનિયાભરમાં છવાઈ જઈ વિશ્વફલક ઉપર ભારત દેશને સિરામીકની ક્વોલિટી પ્રોડક્ટમાં બીજા ક્રમે લાવવામાં સફળ થયેલા મોરબીના ઉદ્યોગપતિઓ ગુજરાત ગેસના એકચક્રી શાસન સામે હાર માનવાને બદલે પાઇપલાઇન ગેસના સસ્તા વિકલ્પ રૂપે પ્રોપેન અને એલપીજી ગેસ ઇંધણ રૂપે ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. જો કે હાલમાં શિયાળાને કારણે પ્રોપેન અને એલપીજી ગેસના ભાવ ઉંચા હોવા છતાં ગુજરાત ગેસના પાઇપલાઇન ગેસની તુલનાએ દહન ક્ષમતા જોતા સિરામીક ઉદ્યોગને રૂપિયા સાતનો ફાયદો થઈ રહ્યો છે.

ગુજરાત ગેસ અને એલપીજી ગેસ કે પ્રોપેનની તુલના કરવામાં આવે તો પ્રવર્તમાન બજાર કિંમત મુજબ પ્રોપેન -૬૬.૫૦(11100 કેલેરી) રૂ.66.50ના ભાવે મળે છે. જ્યારે એલપીજી ગેસ (10900કેલેરી) રૂપિયા 64.50 ની આસપાસ મળે છે જ્યારે
8350 કેલરી ક્ષમતા વાળો ગુજરાત ગેસ રૂપિયા 61ના ભાવે મળે છે.એટલે કેલેરી નો હિસાબ કરતા આશરે સાત રૂપિયા સસ્તા ભાવે પ્રોપેન અને એલપીજી મળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, પ્રોપેન કે એલપીજી ગેસ વપરાશ કરવામાં માટે સિરામીક ફેકટરીમાં થોડી વધુ જગ્યાની જરૂરત પડે છે ઉપરાંત ગેસ સ્ટોરેજ માટે ટેન્કની પણ જરૂરત પડે છે જેની પાછળ રૂપિયા 40થી 50 લાખનો ખર્ચ થાય છે. જો કે હાલમાં મોરબીનો સિરામીક ઉદ્યોગ 75 લાખ યુનિટ ગેસનો વપરાશ કરે છે તે જોતા ફેકટરી દીઠ 40થી 50 લાખની વધારાનો ખર્ચ ત્રણેક માસમાં જ વસુલ થઈ આવતો હોય હાલમાં 100 જેટલા સિરામીક યુનિટ ગુજરાત ગેસને બાય – બાય કરી એલપીજી અને પ્રોપેનને વેલકમ પણ કર્યું છે.

મોરબી સિરામીક ઉદ્યોગ સાથે જોડાયેલા ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં મોરબીમા આશરે 100થી વધુ પ્રોપેન ટેન્ક છે અને નવી ટેન્કોના ઓર્ડર પણ આપી દેવાયા છે. સાથો-સાથ એલએનજી ટેન્કની મંજુરી વચ્ચે અટકેલ હતી પરંતુ રાજકીય આગેવાનોએ સાથે રહીને જે તે સમયે રજુઆતના અનુસંધાને મંજુરીની પ્રકીયા ચાલુ થયેલ છે જેમાં હાલમાં એલએનજી ટેન્કની મંજુરી મળવાનુ ચાલુ થયેલ છે પરંતુ ગેસ કંપની દ્વારા કોર્ટમા રોળા નાંખતા ગેસ સપ્લાય કરતી કંપનીઓ ખુલ્લીને મોરબીમા ગેસ સપ્લાય કરવામા આગળ આવતી નથી. પંરતુ આવનાર સમયમા વિદેશની કંપનીઓ પણ ગેસ સપ્લાય કરવાની ઇચ્છા વ્યક્ત કરી રહી છે એટલે થોડા સમયમા એલએનજી ટેન્કોમા પણ ઉધોગો ચાલુ થશે તેવુ ઉદ્યોગકાર આલમમાંથી જાણવા મળે છે.

- text