મોરબીની શેરી ગલીઓમાં બિલ્ડરોનો ગેરકાયદે કબજો

- text


રવાપર રોડ, સાવસર પ્લોટ, શક્તિ પ્લોટ સહિતના પોશ વિસ્તારોમાં બાંધકામ સાઇટો ચાલુ હોય ત્યાં શેરીઓ બંધ : રાહદારીઓને જગ ચોર્યાસીનો ફેરો

મોરબી : મોરબીમાં ગેરકાયદેસર બાંધકામો કરવાની સાથે જાહેર માર્ગો બંધ કરી દેવાનો નવો ચીલો શરૂ થયો છે. પાલિકા તંત્રની અને પોલીસની પરવાહ કર્યા વગર બિલ્ડરો મનપડે તેમ આખે આખી શેરી ગલીઓ કબ્જે કરી રહ્યા હોય મોરબીની વકરેલી ટ્રાફિક સમસ્યામાં વધારો થવા પામ્યો છે.

મોરબી શહેર અને ટાઉન પ્લાનિંગને બાર ગાઉનું છેટું છે ત્યારે જીડીસીઆરના નિયમો મુજબ ઓનલાઈન પ્લાન પાસ કરાવી બાંધકામ કરવાની વાત તો દૂર રહી પરંતુ હવે તો તમામ હદ વટાવી મોરબીના બિલ્ડરો અને જમીન માલિકો પોતાની મરજી મુજબ બાંધકામ કરવા જાહેર માર્ગો બંધ કરવા લાગ્યા છે. શહેરના શક્તિ પ્લોટ અને સાવસર પ્લોટમાં છેલ્લા ઘણા સમયથી બિલ્ડરો દ્વારા દાદાગીરી કરી જાહેર માર્ગ બંધ કરી દેવામાં આવ્યા છે પરિણામે લોકોને આવાગમન માટે જગચોર્યાસીના આંટા મારવા પડે છે.

ખાસ કરીને મોરબીની મધ્યમાં આવેલા અને પાલિકા કચેરીથી માંડ અડધો કિલોમીટર કરતા પણ ઓછા અંતરે આવેલા ઉપરોક્ત બન્ને વિસ્તાર ઉપરાંત શહેરના રવાપર રોડથી લઈ તમામ વિસ્તારોમાં આ જ સ્થિતિ જોવા મળી રહી છે. બિલ્ડર કે મકાન માલિક નગરપાલિકા તંત્રની પરવાહ કર્યા વગર પોતાની ઇચ્છાશક્તિ મુજબ બાંધકામ શરૂ કરતાની સાથે જ જાણે જાહેર માર્ગ, શેરી – ગલીને ખરીદી લીધી હોય તેમ રેતી, ઇટ, કપચી, સિમેન્ટ, લોખંડ ઉપરાંત બાંધકામ મશીનરી પણ ખડકી દઈ રસ્તો બંધ કરી દેતા હોય આસપાસના રહીશો પણ કંટાળી ગયા છે અને આવી દાદાગીરી મામલે ફરિયાદ કરવા જાયેતો જાયે કહા જેવી સ્થિતિમાં મુકાયા છે.

બીજી તરફ આ મામલે મોરબી નગરપાલિકાના પવડી વિભાગના કર્મચારી જયદીપ પટેલને આ બાબતે પૂછતાં તેમને જણાવ્યું હતું કે, સાવસર પ્લોટ વિસ્તારમાં શેરી ગલીમાં રેતી સહિતના બાંધકામ મટીરીયલ રાખવા અંગે જે તે પાર્ટીને સૂચના આપવામાં આવી છે અને નોટિસ આપવી કે પગલાં ભરવા અંગે વધુ કાર્યવાહી ચીફ ઓફિસર કરી શકે તેવો જવાબ આપ્યો હતો. એ જ રીતે જાહેર માર્ગો ઉપર ગેરકાયદે કબ્જા અંગે ફરિયાદોનો નિકાલ કરતા નગરપાલિકાના કર્મચારી હિતેશભાઈ રવેશિયાએ આ મામલે જણાવ્યું હતું કે, હાલ તો આવી કોઈ ફરિયાદ મળી નથી. જો ફરિયાદ મળશે તો પગલાં જરૂરથી લેવાશે.

આમ, મોરબી શહેરમાં જીડીસીઆરના નિયમો નેવે મૂકી ફાયર સેફટીની પરવાહ કર્યા વગર બાંધકામનો ધીકતો ધંધો કરતા બિલ્ડરો અને જમીન માલિકો સામે લાલઆંખ કરવામાં પાલિકા તંત્ર ટૂંકું પડી રહ્યું હોય હલતુર્ત તો શેરી ગલીઓ કબ્જે કરવાની પ્રવૃત્તિ ઉપર લગામ આવવી અશક્ય હોવાનું મનાઈ રહ્યુ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text