માળીયા માટે હળવદના ખેડૂતો બે દિવસ કેનાલમાંથી પાણી નહિ ઉપાડે : કાંતિલાલનો પડ્યો બોલ ઝીલતા ખેડૂતો

- text


વરસાદ ખેંચવાની સ્થિતિમાં માળિયાના ખેડૂતો માટે પૂર્વ ધારાસભ્યની હકારાત્મક પહેલ રંગ લાવી

હળવદ : વરસાદ ખેંચતા ખેડૂતોએ જીવ રેડીને ઉછેરેલ કપાસ, મગફળી સહિતનો ઉભો મોલ મુરઝાવાની અણીએ છે ત્યારે માળિયાના છેવાડાના વિસ્તાર સુધી નર્મદા કેનાલના પાણી ન પહોંચતા હોય પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ હકારાત્મક પહેલ સાથે રવિવારે સાંજે હળવદના ખેડૂતો સાથે બેઠક યોજી સમસ્યા ઉકેલવા પ્રયાસ કરતા સફળતા મળી છે અને હળવદના સાત ગામના ખેડૂતોએ માળિયાના ખેડૂતોના હિતમાં આગામી બે દિવસ સુધી નર્મદા કેનાલમાંથી પાણી નહિ ઉપાડવા સહમત થયા હતા અને કાંતિલાલનો પડ્યો બોલ ઝીલતા માળીયાના ખેડૂતો ખુશખુશાલ બન્યા છે.

માળીયાના ખેડૂતોને નર્મદા કેનાલમાંથી પાણી ન મળતું હોવા પ્રશ્ને પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા મેદાને આવ્યા છે અને હળવદ તાલુકાના ટીકર ગામે રવિવારે ખેડૂતો અને ખેડૂત આગેવાનો વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. જેમાં માળીયા તાલુકામાં નર્મદા કેનાલનું પાણી ન પહોચતુ હોવાને લઈને ચર્ચા-વિચારણા કર્યા બાદ નક્કી કરવામાં આવ્યું હતું કે સોમવારથી બે દિવસ માટે હળવદતાલુકાના અજીતગઢ,ખોડ,જોગડ,મયાપુર,ટીકર,માનગઢ,મીયાણી ગામના ખેડૂતો કેનાલમાંથી પાણી નહિ ઉપાડે જેથી માળીયાના ખેડૂતોને પણ પાણી મળી રહે.

- text

આ સાથે જ બે દિવસ બાદ ઈંગોરાળા, ઇસનપુર, બોરડી, માલણીયાદ, રણમલપુર ગામના ખેડૂતોને સમજાવી તેઓને પણ બે દિવસ પાણી ન લેવા માટે અપીલ કરવામાં આવશે જેથી માળીયાના છેવાડાના ખેડૂતોને પણ પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે અને ઉભી મોલતને જીવતદાન મળે.

આ બેઠકમાં પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, જિલ્લા પંચાયતના સદસ્ય ધર્મેન્દ્રભાઈ એરવાડિયા, તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જટુભાઇ ઝાલા, ગણેશભાઈ પટેલ, મનસુખભાઈ પટેલ, રજનીભાઇ પટેલ તેમજ માળિયા તાલુકાના ખેડૂત આગેવાનો અને ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સિંચાઇના પ્રશ્નનો સુખદ ઉકેલ આવ્યો હતો.

- text