મોરબી જિલ્લા પંચાયતમાં વિપક્ષ લાચાર, બેબશ : ચેમ્બર તો ઠીક ખુરશી પણ નહીં

- text


આગામી તા.26 ઓગસ્ટના રોજ મળનારી સાધારણ સભામાં વિપક્ષી સભ્યો તડાપીટ બોલાવે તેવા સંકેત

મોરબી : સમય સમય બળવાન હૈ નહીં મનુષ્ય બળવાન… કાબે અર્જુન લુટીયો વોહી ધનુષ વોહી બાણ… આ ઉક્તિ હાલમાં મોરબી જિલ્લા પંચાયતમાં એક દમ બંધ બેસતી જોવા મળે છે. એક સમયે મોરબી જિલ્લા પંચાયતમાં સતાસ્થાને બિરાજી અધિકારીઓ ઉપર શાસન કરનાર કોંગ્રેસ હવે વિપક્ષની ભૂમિકામાં આવતા જ રીતસર હાંસિયામાં ધકેલાઈ ગઈ છે. કોંગ્રેસ રાજમાં જ તૈયાર થયેલા નવા વિશાળ જિલ્લા પંચાયત ભવનમાં કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોને બેસવા ચેમ્બર તો ઠીક ખુરશી પણ દોહ્યલી બની છે અને લાચાર,બેબશ કોંગ્રેસી સભ્યોએ આ મામલે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત પણ કરી છે પરંતુ બહુમતી ભાજપ શાસકોના ડરથી અધિકારીઓ પણ લોકશાહીનું ગળું ઘોટવા મજબુર બન્યા છે !! આ સંજોગોએ આગામી તા.26ના રોજ મળનારી સામાન્ય સભામાં વિપક્ષી સભ્યો લડત આપવા મૂડ બનાવ્યો હોવાનું જાણવા મળે છે.

- text

મોરબી જિલ્લા પંચાયતમાં લોકશાહી પરંપરાની હાસી ઉડી રહી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ગત ચૂંટણીમાં ભાજપને પ્રચંડ બહુમત મળવા સામે કોંગ્રેસને ફક્ત 10 બેઠકથી જ સંતોષ માનવો પડ્યો છે. ત્યારે વિપક્ષની અવગણના કરી ભાજપના શાસકો દ્વારા નવા જિલ્લા પંચાયત ભવનમાં ક્યાંય પણ કોંગ્રેસના સદસ્યોને બેસવાની વ્યવસ્થા ન કરતા અકલાયેલા કોંગ્રેસના સભ્યોએ આ મામલે જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરી હતી પરંતુ આ રજુઆત પણ કચરા ટોપલીમાં ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, ગત ટર્મમાં કોંગ્રેસના બહુમત સભ્યો દ્વારા જ કરોડો રૂપિયાના ખર્ચે સો ઓરડી જિલ્લા સેવા સદન સંકુલ ખાતે જિલ્લા પંચાયત ભવન નિર્માણ કરાવ્યું હતું પરંતુ ચૂંટણીમાં હાર મળતા કોંગ્રેસના સભ્યોને હાલ ચેમ્બર તો દુરની વાત બેસવા માટે ખુરશી પણ મળતી નથી.

બીજી તરફ આગામી તા.26 ઓગસ્ટના રોજ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી રહી છે જેમાં શાસકો દ્વારા એજન્ડા ઉપર પ્રશ્નોત્તરીથી લઈ જુદા – જુદા 11 એજન્ડા સમાવ્યા છે ત્યારે આ સામાન્ય સભામાં વિપક્ષી સભ્યો ચેમ્બર મામલે તડાપીટ બોલાવે તેવા સંકેતો મળી રહ્યા છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text