વસ્તીની સંખ્યા જેટલી મહત્વની છે તેટલી જ મહત્વની વસ્તીની ગુણવત્તા છે

- text


આજે ૧૧મી જુલાઇ : વિશ્વ વસ્તી દિવસ

વિશ્વ સ્તરે જાહેર થયેલા અને તે અનુસંધાને વિવિધ રીતે ઉજવાતા-મનાવાતા ખાસ દિવસોમાં ૧૧મી જુલાઈને વિશ્વ વસ્તી દિવસ તરીકે જાહેર કરવામાં આવેલ છે અને એ રીતે મનાવવામાં આવે છે. ઇતિહાસ જોતા સ્પષ્ટ બને છે કે, વસ્તીની સંખ્યા જેટલી મહત્વની છે તેટલી જ મહત્વની વસ્તીની ગુણવત્તા પણ છે.

માનવ વિકાસ અને આર્થિક વિકાસને પરસ્પર ગાઢ હકારાત્મક સંબંધ રહેલો છે. વસ્તીની સંખ્યા જેટલી મહત્વની છે તેટલી જ મહત્વની વસ્તીની ગુણવત્તા છે. વસ્તીની ગુણવત્તામાં માનવીમાં રહેલી કાર્યક્ષમતા, કુશળતા, સાહસિકતા, પ્રામાણિક્તા, નિષ્ઠા, સમાજ અને દેશ ભાવના વગેરેનો સમાવેશ કરી શકાય. વસ્તીની સંખ્યાની સાથે સાથે આ લાક્ષણિકતા દેશની માનવ વસ્તીમાં કઈ કક્ષાની જોવા મળે છે તે મહત્વનું બની રહે છે. એટલે જ વસ્તીને માત્ર સંખ્યાની દ્રષ્ટિએ જોવાના બદલે તેની ગુણવત્તાને ધ્યાનમાં લેતા માનવ સંસાધન તરીકે આલેખાય છે. આમ માનવ વિકાસ એટલે દેશની વસ્તીની ગુણવત્તા કે ક્ષમતામાં વધારાનું પ્રમાણ. ભારત જેવા વિકાસશીલ દેશોમાં આર્થિક વિકાસનો સામાન્ય અર્થ થાય છે દેશમાં ઉત્પાદન વૃદ્ધિ અને ઉત્પાદન ક્ષમતામાં વૃદ્ધિ.

કોઈપણ દેશના વિકાસના પ્રારંભિક તબક્કે તે દેશની વસ્તીની કુલ સંખ્યા દેશના અન્ય ઉત્પાદનના સાધનોને અનુરૂપ છે કે કેમ? તે ઘણું અગત્યનું બને છે. બીજી બાબત વધુ મહત્વની એ હોય છે કે ઉપલબ્ધ માનવ વસ્તીમાં કાર્યક્ષમતા, કુશળતા, સાહસિકતા, પ્રામાણિકતા, નિષ્ઠા, રાષ્ટ્ર ભાવના વગેરેનું પ્રમાણ કેવું છે? વસ્તીમાં આ પ્રકારની લાક્ષણિક્તા એકંદરે ઉચ્ચ કક્ષાની જોવા મળતી હશે તો દેશના વિકાસનો પ્રારંભિક તબક્કો ઝડપથી આર્થિક વિકાસ સાધવા તરફ પાકો પાયો સ્થાપિત કરશે અને તેથી વિકાસના પ્રારંભિક તબક્કામાં રાષ્ટ્રે નિર્ધારિત કરેલા ઉદ્દેશો પાર પાડી શકાશે.

જેના પરિણામ સ્વરૂપે આગામી આર્થિક વિકાસ વધુ ઝડપી ગતિથી હાંસલ થઈ શકશે. આ તબક્કા દરમિયાન આર્થિક વિકાસના પરિણામે એવા કેટલાંક ક્ષેત્રો વિકાસ પામશે કે જે માનવ સંશોધનને વધુ ગુણવત્તા યુક્ત બનાવશે. આ ક્ષેત્રોમાં શિક્ષણ, આરોગ્ય, તાલીમ વગેરેનો સમાવેશ થાય છે. તેમાં ખાસ કરીને શિક્ષણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને વધુ વિકસિત કરશે, સમગ્રતયા પ્રસારિત કરશે. જેના પરિણામે વિકાસ માટે જરૂરી યંત્રો તથા ટેકનોલોજીનો વિકાસ થશે.

આ ઉપરાંત શિક્ષણ દ્વારા રાષ્ટ્ર અને ઉચ્ચ કક્ષાના રાષ્ટ્રવાદી નિષ્ઠાવાન અને પ્રામાણિક નાગરિકો પ્રાપ્ત થશે. વિકાસની સાથે સાથે ભૌતિક સગવડતાઓનું પ્રમાણ સતત વધતાં માનવ સંસાધનને ઉચ્ચ કક્ષાનું જીવનધોરણ પ્રાપ્ત થશે. જે માનવ સંસાધનને વધુ ઉચ્ચ કક્ષાનું બનાવશે. આ ઉચ્ચ કક્ષાનું માનવ સંસાધન દેશના આર્થિક વિકાસ માટે ફરીથી મહત્વની ભૂમિકા ભજવશે અને તેના પરિણામસ્વરૂપે દેશ ઝડપી વિકાસનો એક વધુ તબક્કો હાંસલ કરશે.

જો કોઈ દેશમાં વિકાસના પ્રારંભિક તબક્કે માનવ વસ્તીની ગુણવત્તા ઉત્તમ પ્રકારની કહી શકાય તેવી નહીં હોય તો માનવ સંસાધનમાં કાર્યક્ષમતા, કુશળતા, નિષ્ઠા, પ્રામાણિક્તા, દેશભાવના વગેરે ઓછું હશે. પરિણામે આર્થિક વિકાસ માટે પ્રારંભિક પાયો મજબૂત તૈયાર થઈ શકશે નહીં. તેની અસર વિકાસના પછીના તબક્કાઓ પર સ્વાભાવિક રીતે જ નકારાત્મક રહેશે. પરિણામે દેશમાં આર્થિક વિકાસ મંદ ગતિનો જોવા મળશે. આમ માનવ વિકાસ અને આર્થિક વિકાસ સમાંતર છે, એક બીજાના પૂરક છે.

- text

વિશ્વનો આર્થિક ઈતિહાસ તપાસવામાં આવે તો કેટલાક દેશોએ ઝડપી આર્થિક વિકાસ સાધવામાં સફળતા હાંસલ કરી છે તો કેટલાક દેશોએ ઘણા લાંબા સમય પછી પણ વિકાસની ગતિ પકડી નથી. જાપાન, ઇઝરાયેલ, ચીન આ એવાં રાષ્ટ્રો છે કે જેમણે ઝડપી આર્થિક વિકાસ હાંસલ કર્યો છે અને આ આર્થિક વિકાસ હાંસલ કરવા માટે માનવ સંસાધનની ભૂમિકા ટોચની રહેવા પામી છે. આજે આપણે જયારે ચીનની હરીફાઈમાં હોવાનો દાવો કરીએ છીએ ત્યારે એ સમજી લેવું જરૂરી છે કે ચીન જે ઝડપથી વિકાસ સાધી શક્યું છે અને ભૌતિક સગવડતા ઊભી કરી શક્યું છે એના કરતાં આપણે ઘણા પાછળ છીએ. માત્ર આરોપનામું તૈયાર કરીને કે દેખાવો કરીને, સનસનીખેજ સમાચારો આપીને આગળ વધી શકાતું નથી એ આપણે વહેલી તકે સમજવું રહ્યું.

ચીને ૧૯૮૦થી ૨૦૨૦ના એટલે કે ૪૦ વર્ષના સમયગાળા દરમિયાન તેની વાસ્તવિક આવક એંશી ગણી કરી છે. જ્યારે આ જ સમયગાળા દરમિયાન આપણે ૨૪ ગણી કરી છે. ૧૯૭૮માં ભારત અને ચીનની આર્થિક સ્થિતિ લગભગ સરખી હતી. આજે ૨૦૨૦માં ભારતની માથાદીઠ આવક લગભગ ૨,૧૦૦ ડોલર જેટલી છે. જ્યારે ચીનની માથાદીઠ આવક લગભગ ૧૦,૦૦૦ ડોલર જેટલી છે. ભારતની રાષ્ટ્રીય આવક ૩.૧૬ ટ્રિલિયન ડોલર છે. જ્યારે ચીનની રાષ્ટ્રીય આવક ૧૫.૫૪ ટ્રિલિયન ડોલર છે.

એચ. ડી. આઈ.ના ૨૦૨૦માં પ્રસિદ્ધ થયેલા રિપોર્ટ મુજબ વિશ્વના ૧૮૯ દેશો માટેના માનવ વિકાસ આંકમાં ભારત ૧૩૧માં ક્રમે છે જ્યારે ચીન ૮૫માં ક્રમે છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ચીને બાર ક્રમની પ્રગતિ કરી છે જ્યારે ભારતે એક ક્રમની પ્રગતિ કરી છે. સરમુખત્યાર ચીન શિસ્તના આધારે આગળ વધી શક્યું છે. આવું આપણે સ્વતંત્રતા આપતી લોકશાહીમાં અનેક નકારાત્મક બાહ્યતાઓને લીધે બની શક્યું નથી.

અહીં કરેલી વાસ્તવિક સમીક્ષાનો ઉદ્દેશ ચીનને ભારત કરતાં સવાયું દેખાડવાનો નથી પરંતુ આપણું માનવ સંસાધન ચીનના માનવ સંસાધન કરતાં દેશહિત માટે અને સમાજની સુખાકારી માટે પ્રામાણિકતામાં, નિષ્ઠામાં, કાર્યક્ષમતામાં, સાચી રાષ્ટ્રભાવનામાં રંકથી માંડીને તવંગર સુધી કે સામાન્ય નાગરિકથી માંડીને ટોચના નેતૃત્વ સુધી ઘણું નિષ્ફળ રહ્યું છે. તેના માટે જવાબદાર તળિયાના વર્ગ કરતાં વધુ ટોચના વર્ગને જ ગણવો રહ્યો. ટોચના નેતૃત્વની વાત કરીએ તો મનમોહનસિંઘ સિવાય કયા વડાપ્રધાન દેશના વિકાસના બદલે રાજકારણમાં ઓતપ્રોત નથી રહ્યા?

દેશની હાલની સ્થિતિનો સમગ્રતયા વિચાર કરતાં માનવ સંસાધનમાં ગુણવત્તા રેડવાનું કાર્ય ટૂંકા ભવિષ્યમાં ઘણું મુશ્કેલ ગણવું રહ્યું. એ માટે કારણ એ છે કે આપણે વાસ્તવિકતાના બદલે જે કંઈ નાટકીય સ્વરૂપે જોવા મળે છે તેને વધુ સ્વીકારીએ છીએ. દેશની ગાડી વૈશ્વિક હરીફાઇમાં પાટે ચડાવવા માટે આપણે મોટા બદલાવની રાહ જોવી જ રહી! એટલે કે સામાન્ય નાગરિકથી માંડીને ટોચના સામાજિક, રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક, ધાર્મિક નેતૃત્વનાં માનવ સંસાધનમાં ઉચ્ચ ગુણવત્તાની લાક્ષણિકતાઓનું ઉમેરણ થાય તો જ તે શક્ય બને.

લેખન : પ્રો.આર.કે.વારોતરિયા


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text