કાજુની ખેતી કરી વીઘે 25થી 40 હજારની કમાણી કરતા પ્રયોગશીલ ખેડૂત

- text


હળવદના શિવપુરના ખેડૂતે ગોવાથી કાજુના રોપ મંગાવી સફળતાપૂર્વક કાજુનો પાક મેળવ્યો

હળવદ : મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના ખેડૂતો પ્રયોગશીલ અને પ્રગતિશીલ હોવાનું પુરવાર કરી બતાવ્યું છે. લીંબુ, દાડમ, સરગવો હોય કે પછી ડ્રેગન ફ્રુટ હોય નવીનતમ પાક વાવીને ખેડૂતો મબલખ કમાણી કરી રહ્યા છે ત્યારે શિવપુરના ખેડૂતે ગોવાથી કાજુના રોપ મંગાવી અઢી વીઘા જમીનમાં સફળતા પૂર્વક કાજુ ઉછેરી વીઘે 25થી 40 હજારની કમાણી શરૂ કરી છે.

સૌરાષ્ટ્રની ઉપજાવ જમીન ઉપર ખેડૂતો પરંપરાગત ખેતી કરીને આવક મેળવતા હોય છે. ત્યારે હળવદ તાલુકાના ખેડૂતો કંઈક અલગ અલગ પાકનું વાવેતર કરીને પોતાની આવક વધુ થાય તે માટે પ્રયત્ન કરતા હોય છે. જેમાં શિવપુર ગામના અશોકભાઈએ કાજુની ખેતી કરીને સારી આવક મેળવી રહ્યા છે.

ધરતીપુત્ર અશોકભાઈને ખેતીનો અજબ ગજબ શોખ છે, બીજા ખેડૂતો કરતા હોય તેના કરતાં અલગ જ ખેતી કરવી તેવું તેઓ માને છે અને બાગાયતી ખેતી કરવા માટેનું માર્ગદર્શન તેમને કૃષિ પ્રદર્શન જોયા બાદ મળ્યું હતું. તેમણે શિવપુરમાં પોતાના ખેતરમાં બાગાયતી ખેતી કરવાની શરૂઆત કરી લીંબુ, કેરી, ચીકુ, જામફળ, દાડમ, સીતાફળનું વાવેતર કરીને સારી આવક મેળવી રહ્યા છે.

બાગાયતી ખેતીમાં અશોકભાઈએ કાજુની ખેતી કરવા નક્કી કરી ગોવાથી કાજુના રોપ મંગાવી પોતાના ખેતરમાં અઢી વિઘામાં કાજુનું વાવેતર કર્યું અને આજે કાજુના વૃક્ષમાં લુમેઝુમે કાજુ આવતા એક વીઘે 25000થી 40000 રૂપિયા જેટલી આવક મેળવી રહ્યા છે. પાંચ વર્ષ પહેલાં તેઓ કાજુના રોપા ગોવાથી લાવ્યા હતા તે વખતે એક રોપાની કિંમત એસી રૂપિયા હતી. આજે બજારમાં કાજુનો ભાવ રૂ.500 થી લઈ રૂ. 800 રૂપિયા મળી રહ્યા છે ત્યારે બીજા ખેડૂતો પણ બાગાયતી ખેતી તરફ વળે તો જ ડબલ આવક મેળવી શકે તેમ હોવાનું અશોકભાઈ ઉમેરે છે.

- text

- text