રવાપર રોડ પરના હોકરા ઉપરના ગેરકાયદે દબાણો હટાવવાનો આદેશ

- text


રવાપર રોડના વરસાદી પાણીના નિકાલ માટે ગેરકાયદે બાંધકામો ઉપર બુલડોઝર ફેરવવા આદેશ પાલિકા તંત્ર એક્શન મોડમાં : જોકે અમલવારી સામે પ્રશ્નાર્થ

મોરબી : મોરબી શહેરમાં ચોમાસા દરમિયાન ઠેર-ઠેર પાણી ભરવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે પાલિકા તંત્રએ કમર કસી છે. પાલિકા તંત્ર દ્વારા રવાપર રોડ પરના વોકળા ઉપર ઉભા થયેલા બાંધકામ તોડી પાડવા આદેશ કરાયો છે. જોકે બીજી તરફ સામેપક્ષે આવા દબાણ કરનાર રાજકીય વગ વાળા હોય પાલિકાના આદેશની અમલવારી કેટલી અને કેવી થાય છે તે તરફ સૌની મીટ મંડાઈ છે.

મોરબી શહેરમાં એકાદ બે ઇંચ વરસાદ પડતાની સાથે જ રવાપર રોડ અને શનાળા રોડ ઉપર ઠેર-ઠેર પાણી ભરવાની સમસ્યા જોવા મળે છે ત્યારે આ વર્ષે પાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત વરસાદી પાણી નિકાલમાં અવરોધરૂપ વોકળા ઉપરના ગેરકાયદેસર તમામ બાંધકામો ઉપર બુલડોઝર ફેરવવા નક્કી કરવામાં આવ્યું છે અને રવાપર રોડ ઉપર નીલકંઠ વિદ્યાલયથી આગળના ભાગે હોકળા પર આવેલા આવા ગેરકાયદે બાંધકામોની યાદી પણ તૈયાર કરી લેવામાં આવી છે.

- text

ઉલ્લેખનીય છે કે વરસાદી પાણી નિકાલની સમસ્યામાં ગેરકાયદેસરના બાંધકામો જ જવાબદાર હોવાનું સ્પષ્ટ છે ત્યારે ખાસ કરીને આખા બાંધકામો નહીં તોડતા સરકારની મંજૂરી સાથે બનેલા આવા બાંધકામોના વોકળા ઉપરના નડતરરૂપ બાંધકામોને આંશિક રીતે દૂર કરી વોંકળામાં પડેલા માલબાને દૂર કરવા હાલમાં ગતિવિધિ તેજ કરવામાં આવી છે.

દરમિયાન મોરબીના રવાપર રોડ, શનાળા રોડ, શનાળા ગામ સહિતના વિસ્તારમાંથી આવતા પાણીં જ્યાં એકત્રિત થાય છે તેવા વિશાલ ફર્નિચર અને ધુતારી વોંકળાના પોઇન્ટ સુધી ચોમાસા પૂર્વે જ સફાઈ થાય તે માટે કોન્ટ્રાક્ટરને પણ સૂચના આપી રાજકીય પાંખ પણ પ્રયત્નશીલ બની હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જોકે પાલિકા તંત્ર દ્વારા શરૂ કરાયેલી આ કામગીરીમાં રાજકીયગ્રહણ નડતરરૂપ થાય છે કે નહીં તે જોવાનું રહ્યું.

- text