નવા શૈક્ષણિક સત્રથી ગીબશન મિડલ સ્કૂલમાં મેડિકલ કોલેજ શરૂ કરાશે!!

- text


ટૂંક સમયમાં સત્તાવાર રીતે જાહેરાત : ધારાસભ્ય વહેલી તકે મેડિકલ કોલેજ શરૂ થાય તે માટે પ્રયત્નશીલ

મોરબી : આગામી શૈક્ષણિક સત્રથી જ મોરબીમાં મેડિકલ કોલેજનો શુભારંભ થાય તેવા સ્પષ્ટ અણસાર વચ્ચે શહેરની મધ્યમાં આવેલી ગીબશન મિડલ સ્કૂલમાં હંગામી ધોરણે મેડિકલ કોલેજ શરૂ કરવા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પણ મેડિકલ કોલેજ વહેલામાં વહેલી તકે કાર્યાન્વિત થાય તેવા પ્રયત્નમાં હોવાનું અને શહેરની મધ્યમાં ગીબશન મિડલ સ્કૂલ કોલેજ શરૂ થવાની વાતને સમર્થન આપ્યું હતું.

નવરચિત મોરબી જિલ્લાને મેડિકલ કોલેજ માટેની સતાવાર જાહેરાત બાદ અત્રેના શકત શનાળા નજીક જમીન પણ ફાળવી દેવામાં આવી છે પરંતુ નવું કોલેજ કેમ્પસ શરૂ થવામાં વિલંબ થાય તેમ હોય મોરબી -માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ વૈકલ્પિક જગ્યા ઉપર મેડિકલ કોલેજ શરૂ કરવા સૂચન કરતા તાજેતરમાં આરોગ્ય વિભાગની ટિમ મોરબીની મુલાકાતે આવી હતી અને મેડિકલ કોલેજ માટે વૈકલ્પિક જગ્યા રૂપે એલ.ઈ.કોલેજ કેમ્પસ તેમજ જિલ્લા પંચાયત બિલ્ડીંગ જ્યાં કાર્યરત હતી તેવી ગીબશન મિડલ સ્કૂલનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું.

- text

દરમિયાન ગીબશન મિડલ સ્કૂલ મેડિકલ કોલેજ માટે તમામ રીતે અનુકૂળ હોવાનો સકારાત્મક અભિપ્રાય આવતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાકીદે જિલ્લા પંચાયત કચેરીને જિલ્લા સેવા સદન ખાતે નવા બિલ્ડીંગ ખાતે સ્થળાંતરિત કરવા નક્કી કરી ઝડપભર જિલ્લા પંચાયત કચેરીને શિફ્ટ કરાવી નાખતા હવે મોરબીને આગામી સત્રથી મેડિકલ કોલેજની સુવિધા શરૂ થવાનો માર્ગ મોકળો બન્યો છે.

દરમિયાન મોરબી માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ પણ ગીબશન મિડલ સ્કૂલમાં આગામી સત્રથી જ મેડિકલ કોલેજ શરૂ થઇ રહી હોવાની વાતને સમર્થન આપી તેઓ સતત રાજ્યના આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલનમાં હોવાનું જણાવ્યું હતું અને ટૂંક સમયમાં જ આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવનાર હોવાનું ઉમેર્યું હતું.

- text