મા યોજનાના કાર્ડધારકોને ખાનગી હોસ્પિટલમાં કોરોનામાં 50 હજાર સુધીની સારવાર થઈ શકશે

- text


ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને કોરોનાની સારવાર ખર્ચમાં મોટી રાહત

મોરબી : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની વર્તમાન સ્થિતિમાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને સારવાર ખર્ચમાં રાહત આપતો મહત્વપૂર્ણ સંવેદનાસ્પર્શી નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને પરિણામે રાજ્યના ૮૦ લાખથી વધુ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને કોરોનાની સારવાર ખર્ચમાં મોટી રાહત મળશે અને આવા પરિવારો ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારમાં મા કાર્ડ અને વાત્સલ્યમ્ કાર્ડનો ઉપયોગ કરી શકશે.

- text

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી આ કોર કમિટીમાં એવો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, મા કાર્ડ અનેવાત્સલ્યમ્ કાર્ડ રાજ્યના જે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો ધરાવે છે તેવા પરિવારોમાં જો કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય તો તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દરરોજના રૂ. ૫,૦૦૦ સુધીની મર્યાદામાં ૧૦ દિવસના રૂપિયા ૫૦,૦૦૦ સુધીની સારવાર આ કાર્ડમાંથી વિનામૂલ્યે મળવા પાત્ર થશે. મુખ્યમંત્રીએ રાજ્યમાં મા કાર્ડ અને વાત્સલ્યમ્ કાર્ડ ધરાવતા અંદાજે ૮૦ લાખ જેટલા પરિવારોને કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં તારીખ ૧૦મી જુલાઈ ૨૦૨૧ સુધીઆ લાભ આપવાનો નિર્ણય કરીને કોરોનાની સારવાર ખર્ચમાં ગરીબ-મધ્યમવર્ગીય પરિવારોને મોટી રાહત આપી છે.

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને નિયમિત મળતી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ સહિતની વિવિધ બાબતોની સમીક્ષા હાથ ધરવામાં આવે હતી. જેમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલ, ગૃહ-રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, ડૉ. રાજીવકુમાર ગુપ્તા, એમ.કે.દાસ તેમજ આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવી અને વરિષ્ઠ સચિવ ઉપસ્થિત રહ્યા હતા.

- text