માળીયા હાઇવે ઉપર બાયોડિઝલનો ગોરખધંધો ઝડપી લેતા મામલતદાર

- text


લાખોની કિંમતનું 30 હજાર લીટર બાયો ડીઝલ સીઝ કરાયું

માળીયા મામલતદાર સહિતની ટીમે લોખંડની પાંચ ટાંકીઓમાં ભરેલા તથા ટેન્કર ભરેલા બાયો ડીઝલને જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી

મોરબી : માળીયા પંથકમાં બાયો ડીઝલનું મોટાપાયે વેચાણ થતું હોવાની ફરિયાદ સંદર્ભે માળીયા મામલતદાર સહિતની ટીમે માળીયા હાઇવે ઉપર દરોડો પડયો હતો. જેમાં કેબીન રાખી તથા લોખંડની પાંચ ટાંકીઓમાં ભરેલા તેમજ ટેન્કર ભરેલા બાયો ડીઝલના જથ્થાને સીઝ કર્યો હતો તંત્રએ લાખોની કિંમતનો 30 હજાર લીટર બાયોડીઝલ સીઝ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

માળીયા મામલતદાર ડી.સી.પટેલ, ડેપ્યુટી મામલતદાર સહિતની ટીમ આજે બાતમીના આધારે માળીયાના નેશનલ હાઇવે ઉપર ઓનેસ્ટ હોટલની બાજુમાં ત્રાટકી હતી. આ સ્થળે તેગિયા ટાયર લખેલી કેબીન પાસે આવેલ પંપ તથા પંપની રબરની નળીઓ અને કેબિનની પાછળના ભાગે જમીન પર પડેલી લોંખડની પાંચ ટાંકીવાળા ટાંકામાં જોતા આ પાંચેય ટાંકીઓમાં રૂ.10,95,000 ની કિંમતનો આશરે 15 હજાર લીટર બાયો ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો.

- text

આ ઉપરાંત આ જગ્યાએ કેબીનના અંદરના ભાગે પંપ તથા રબરની નળીઓ નોઝલ સાથેના જી.જે.12 એ.ઝેડ.9418 નંબરના ટેન્કરમાં પણ રૂ.10,95,000 ની કિંમતનો આશરે 15 હજાર લીટર બાયો ડીઝલનો જથ્થો મળી આવતા તંત્રએ હાલ આ 30 હજાર જેટલો બાયો ડીઝલનો જથ્થો જપ્ત કરીને આગળની કાર્યવાહી માટે એફ.એસ.એલ તેમજ પુરવઠા વિભાગની જાણ કરી છે.

- text