મોરબી શહેરમાં મીની લોકડાઉન 12 મે સુધી લંબાવાયું

- text


રાત્રિ કર્ફ્યૂ પણ યથાવત : અગાવના 29 શહેર ઉપરાંત વધુ 6 શહેરોમાં મીની લોકડાઉન લગાડાયું

મોરબી : આવતીકાલે મીની લોકડાઉનની અવધિ સમાપ્ત થઈ રહી છે તે પૂર્વે આજે રાજ્યના વધુ સાત શહેરો સહિત કુલ 36 શહેરોમાં મીની લોકડાઉન 12 મે સુધી લંબાવવા નિર્ણય લઈ રાત્રી કરફ્યુ યથાવત રાખવામાં આવ્યો છે. જેમાં મોરબી શહેરનો પણ સમાવેશ થાય છે. આમ મોરબી શહેરમાં 12મેં સુધી મીની લોકડાઉન રહેશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઊર્જા મંત્રી સૌરભ પટેલ,મુખ્ય સચિવ અનિલ મુકિમ જોડાયા હતા આ બેઠકમાં અગાઉના મોરબી સહિત 29 શહેરો ઉપરાંત ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી, વેરાવળ – સોમનાથ અને વિસનગરમાં પણ રાત્રિ કર્ફ્યૂ અમલમાં મૂકી આગામી તા.12 મે સુધી મીની લોકડાઉનના નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઊર્જા મંત્રી સૌરભ પટેલ,મુખ્ય સચિવ અનિલ મુકિમ,ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર ,પોલીસ મહા નિર્દેશક આશિષ ભાટિયા તેમજ અધિક મુખ્ય સચિવો, ડો.રાજીવ કુમાર ગુપ્તા,એમ.કે દાસ અને આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિ સહિત સચિવો પણ જોડાયા હતા.

આ નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે. 36 શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે. ખાનગી ઓફિસોમાં 50 ટકા સ્ટાફની હાજરી-ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિગના નિયમોના પાલનના ચેકિંગ માટે જી.એસ.ટી વિભાગ કચેરીઓનું ઓચિંતું ચેકિંગ કરશે.

કોર કમિટીની આ બેઠકમાં ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે અન્ય જે નિર્ણયો લેવામાં આવ્યા છે તે મુજબ આ 36 શહેરોમાં તા.6 મે-2021થી તા. 12 મે-2021 સુધીના સમયગાળા દરમિયાન આવશ્યક સેવા/ પ્રવૃત્તિઓ જ ચાલુ રાખવાના રાજ્ય સરકારે આદેશો કર્યા છે. COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવા તેમજ આવશ્યક/ તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ ચાલુ રહેશે. મેડીકલ, પેરામેડીકલ તથા તેને આનુષાંગિક આરોગ્યલક્ષી સેવાઓ, ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા ચાલુ રહેશે.

- text

આ 36 શહેરોમાં સામાન્ય જનજીવનને કોઈ તકલીફ ન પડે અને રાબેતા મુજબનું જીવન જળવાઈ રહે તે હેતુથી રાજ્ય સરકારે ડેરી, દૂધ-શાકભાજી, ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડીલીવરી સેવાઓ ચાલુ રાખવાના આદેશો કર્યા છે. શાકભાજી માર્કેટ તથા ફ્રૂટ માર્કેટ ચાલુ રહેશે. કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન સેવાઓ, અનાજ તથા મસાલા દળવાની ઘંટી, ઘરગથ્થુ ટીફીન સર્વિસીસ અને હોટેલ / રેસ્ટોરન્ટની ટેક અવે ફેસિલિટી આપતી સેવાઓ ચાલુ રહેશે.

મુખ્યમંત્રીએ રાજ્યમાં કોરોના સંક્રમણનો વધતો વ્યાપ અટકાવવા એવો પણ નિર્ણય કર્યો છે કે સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, ફાયનાન્સ ટેક સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેક્શન સેવાઓ, બેંકોના ક્લિયરીંગ હાઉસ, એ.ટી.એમ/સી.ડી.એમ. રીપેરર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકરો, ઈન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50% સુધી સુનિશ્ચિત કરવાની રહેશે.મુખ્યમંત્રીએ ખાનગી ઓફિસોમાં 50 ટકાથી વધુ કર્મચારીઓની હાજરી ન હોય તે સુનિશ્ચિત કરવા તેમજ આવી ઓફિસોમાં ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિગનું પાલન થાય તે જોવા માટે રાજ્યના જી.એસ.ટી. વિભાગને આવી ખાનગી ઓફિસોનું ચેકીંગ કરવાની સૂચના આપી છે.

આ નિયમોના ભંગ કે પાલન ન કરનારા ખાનગી એકમો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સ્પષ્ટ સૂચના મુખ્યમંત્રીએ આપી છે. આ શહેરોમાં ઈન્ટરનેટ/ટેલિફોન/મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર/ આઇ.ટી. અને આઇ.ટી. સંબંધિત સેવાઓ, પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયા, ન્યુઝ પેપર ડીસ્ટ્રીબ્યુશન, પેટ્રોલ, ડિઝલ, એલ.પી.જી. / સી.એન.જી./પી.એન.જી.ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડીંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્ટ્સ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ, પોસ્ટ અને કુરીયર સર્વિસ, ખાનગી સિક્યુરીટી સેવાઓ ચાલુ રહેશે.

આ 36 શહેરોમાં પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ, કૃષિ કામગીરી, પેસ્ટ ક્ન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા, તમામ આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ યથાવત રહેશે. આંતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતરશહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ પણ ચાલુ રહેશે.

- text