વાંકાનેરના ગુલશન પાર્ક અને પટેલવાડીમાં બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો

- text


ગુલશન પાર્કમાંથી 1લાખ રોકડ અને સોનાની વીંટીની ચોરી : પટેલવાડીમાં સોના – ચાંદીના દાગીના અને રોકડની ચોરી

તસ્કરોએ પાડોશીના ઘરના બહારના દરવાજા બંધ કરી દીધા

વાંકાનેર : વાંકાનેરના ચંદ્રપુરમાં આવેલા ગુલશન પાર્કમાં તેમજ પટેલવાડીમાં ગતરાત્રે તસ્કરો ત્રાટકયા હતા અને બંધ પડેલા બે મકાનોને નિશાન બનાવી આશરે એક લાખ રૂપિયા રોકડ અને એક સોનાની વીંટી ઉપરાંત બીજા મકાનમાંથી પણ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ઉઠાવી ગયા હતા.

ચોરીના પહેલા બનાવમાં ચંદ્રપાર્કમાં ત્રાટકેલા તસ્કરોએ આખા ઘરમાં તમામ વસ્તુઓ વેરવિખેર કરી બોક્સ પલંગ, શેટ્ટીના ગાદલા હટાવી તેમાં પણ તપાસ કરી હતી અંદર પ્રવેશતા પહેલા થોડા પથ્થરો પણ સાથે લાવ્યા હતા. ઉપરાંત તસ્કરોએ પાડોસના તમામ ઘરના મુખ્ય દરવાજા બહારથી બંધ કરી દીધા હતા. પાડોશીઓના કહેવા મુજબ તેઓ રાત્રે એકથી દોઢ વાગ્યા સુધી જાગતા હતા અને બહાર જ બેઠા હતા. તેમજ રમજાન ચાલતો હોવાથી વહેલી સવારે સાડા ત્રણ ચાર વાગ્યે તો લોકો ઉઠી જતા હોય છે. ત્યારે વચ્ચેના આ ગાળા દરમિયાન ચોરો પોતાની કળા કરી ગયા.

છેલ્લા દસ દિવસથી ગની પટેલ પોતાના વતન ખેરવા હતા છેલ્લા બે દિવસથી તેઓ અહીં આવ્યા હતા અને ગઈ કાલે સાંજે પાંચ વાગ્યાની આસપાસ પાછા ખેરવા ગયા હતા અને રાત્રે ચોર ત્રાટક્યાં હતા. જેથી એવું કહી શકાય કે ચોર જાણભેદુ હોય અથવા તેઓ સતત વોચ ગોઠવીને ધ્યાન રાખતા હોય.

આ ચોરો જે એક લાખ રૂપિયા ચોરી કરી ગયા તેમાં આશરે ૫૦ હજાર રૂપિયા એવા હતા કે જે રમઝાન માસમાં જકાત આપવા માટે અલગ રાખ્યા હતા અને પચીસ-ત્રીસ હજાર ગની પટેલના વાઈફની સેવિંગ હતી અને ઘરમાં વીસ-પચ્ચીસ હજાર રૂપિયા રોકડ હતી. આમ આશરે એક લાખ રૂપિયા અને એક સોનાની વીંટી (આશરે કિંમત 15,000) ની ચોરી થઈ છે.

જ્યારે ચોરીના બીજા બનાવમાં મૂળ કણકોટ ગામના રહેવાસી અને વાંકાનેરમાં પટેલવાડીમાં રહેતા અને પ્રાઇવેટ ઈન્ડસ્ટ્રીઝમાં નોકરી કરતા કુતુબુદ્દીન ઉસ્માન ગની શેરસીયાના ઘરમાં ત્રાટકી તસ્કરો સોના ચાંદીના ઘરેણા તેમજ રોકડ રકમની ચોરી કરી ગયા હતા.

કુતુબુદ્દીન શેરસીયાના વતન કણકોટમાં મકાનનું કામ ચાલુ હોવાથી તેઓ ત્યાં રહેતા હોય પટેલવાડીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.

આમ, વાંકાનેરમાં એક જ રાત્રીમાં તસ્કરોએ બબ્બે મકાનને નિશાન બનાવી એક જ મોડ્સ ઓપરેન્ડીથી ચોરીને અંજામ આપતા હાલ વાંકાનેર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text

- text