નકલી રેમડેસીવીર પ્રકરણમાં બે આરોપી કોરોના પોઝિટિવ : અન્ય બેની ધરપકડ

- text


નકલી ઇન્જેક્શન વેચાણ અંગે અમદાવાદ, કડી, સુરત સહિતના શહેરોમાં તપાસનો ધમધમાટ

મોરબી : કોરોના મહામારીમાં દર્દીઓને નકલી રેમડેસીવીર ઇન્જેક્શન વેચવાના અતિ ક્રૂર કહી શકાય તેવા કૌભાંડમાં મોરબી પોલીસ હાલ ઊંડાણ પૂર્વક તપાસ ચલાવી રહી છે ત્યારે નકલી ઇન્જેક્શનનું સુરત,અમદાવાદ, કડી, સુરત સહિતના શહેરોમાં વેચાણ થયું હોય ત્યાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે આ કૌભાંડમાં સંડોવાયેલ બે આરોપી કોરોના પોઝિટિવ આવ્યા છે જ્યારે અને બે શખ્સોની આજે વિધિવત ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

- text

મોરબી પોલીસે રાજ્યવ્યાપી નકલી રેમડેસીવીર કૌભાંડનો પર્દાફાશ કર્યા બાદ આ કૌભાંડનું મૂળ કનેક્શન અમદાવાદથી વાયા થઈને સુરત નીકળ્યું હતું. જેમાં સુરતથી નકલી રેમડેસીવીર ઇન્જેક્શન બનાવવાની મીની ફેકટરી ઝડપી લેવાયા બાદ મોરબી પોલીસે આ પ્રકરણની ઊંડી તપાસ ચાલવી છે. મોરબીના 2, અમદાવાદના 2 તેમજ સુરતથી 7 સહિત કુલ 11 શખ્સોને પોલીસે હીરાસતમાં લીધા હતા.જેમાં પોલીસે આરોપીઓની વિધિવત ધરપકડ કરવા માટે પહેલા કોરોના ટેસ્ટ કરાવ્યા હતા.તેમાં મોરબીનો રાહુલ અશ્વિનભાઈ કોટેચા તેમજ અમદાવાદનો મોહમ્મદ આસીફ પટ્ટણીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે રવિરાજ રાજમોહન હીરાણી અને રમીઝ સૈયદ હુસેન કાદરી નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને કાલે બન્નેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.જયારે અન્ય આરોપીના કોરોના રિપોર્ટ આવવાના બાકી છે, તેમના કોરોના રિપોર્ટ આવ્યા બાદ તેની વિધિવત ધરપકડ કરશે.

નકલી રેમડેસીવીર કૌભાંડના તાર પુરા ગુજરાતને અડયા હોય અને આ ચેઇનથી નેટવર્ક ચાલતું હોવાથી આ નેટવર્કને ભેદવા માટે એલસીબી અને એસઓજી તેમજ બી ડિવિઝન એમ ત્રણ ટીમો બનાવી છે, ગુજરાતમાં 6 હજાર ઇન્જેક્શન કોને – કોને વેચવામાં આવ્યા છે તે અંગેની તપાસમાં સુરત, કડી, અમદાવાદ સહિતના શહેરોના નામ સામે આવતા ત્યાં તપાસ હાથ ધરી છે. આ અંગેની વધુ તાપસ મોરબી એસઓજી પીઆઇ જે.એમ.આલ ચલાવી રહ્યા છે.

 

- text