વેક્સિનેશન વધારવું છે પણ પર્યાપ્ત રસીકરણ કેન્દ્રો નથી : ટેસ્ટિંગ વધારવું છે પણ પૂરતી લેબોરેટરી ક્યાં?

- text


રસીકરણ તો થશે, અત્યારે તો સંક્રમણ અટકાવો : જગદીશ આચાર્યની કલમે માહિતીપ્રદ અને રસપ્રદ લેખ

વડાપ્રધાને બે દિવસ પહેલાં મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં રસીકરણ મહોત્સવ મનાવવાનું અને આરટી પીસીઆર ટેસ્ટ ની સંખ્યા વધારવાનું સૂચન કર્યું હતું.ત્યારે એ બંન્ને ક્ષેત્રે આપણે કેટલા સજ્જ છીએ અને કેવી અને કેટલી આંતરમાળખાકીય સુવિધા છે તે જાણવાનું રસપ્રદ બની રહેશે.

ભારતમાં કુલ 81479 રસીકરણ કેન્દ્રો છે.સહુથી વધારે બંગાળમાં 10164 કેન્દ્રો છે.જ્યાં સહુથી વધારે સંક્રમણ છે એ મહારાષ્ટ્રમાં માત્ર 6216 વેકસીનેશન સેન્ટર છે.સહુથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં 7087 કેન્દ્રો છે.9964 કેન્દ્રો સાથે આપણું ગુજરાત દેશમાં બીજા નંબરે છે.ગુજરાતથી મોટા તામિલનાડુમાં 3188 અને કર્ણાટકમાં માત્ર 3862 કેન્દ્રોમાં રસી આપવામાં આવે છે.પાડોશી રાજ્ય રાજસ્થાનમાં 7072 સેન્ટર છે.મધ્ય પ્રદેશ અને બિહાર સહુથી કંગાળ છે.મધ્ય પ્રદેશમાં ગણીને 1668 અને બિહારમાં 1841 જ રસીકરણ કેન્દ્રો છે.તેનાથી પણ ખરાબ હાલત છત્તીસગઢની છે જ્યાં માત્ર 742 કેન્દ્રો છે.રાજધાની દિલ્હીમાં 1258,આંધ્રમાં 4903 અને પંજાબમાં 3212 કેન્દ્રો પર રસી આપવામાં આવે છે.

હવે એક જનરલ ગણતરી કરીએ.એક કેન્દ્ર ઉપર કર્મચારીઓ દરરોજ નોન સ્ટોપ આઠ કલાક કામ કરે તો કુલ 480 મિનિટ કામ કર્યું કહેવાય.એક વ્યક્તિને રસી આપવાનો સરેરાશ સમય દશ મિનિટ ગણીએ તો 480 મિનિટમાં એક કેન્દ્રમાં 48 લોકોને રસી આપી શકાય.દરેક કેન્દ્રમાં રસી માટેના સરેરાશ બે બુથ હોય છે.એ હિસાબે એક કેન્દ્રમાં દરરોજ 96 લોકોને રસીકરણ થઈ શકે.દેશના તમામ 81419 કેન્દ્રો પર આ ગણતરીએ કામ થાય તો દરરોજના 78.21 લાખ ડોઝ આપી શકાય.

પણ એવું બનતું નથી.આપણે 16 જાન્યુઆરીથી વેકસીન દ્રાઈવ શરૂ કરી તેના 85 દિવસ થયા.85 દિવસમાં આપણે 94334242 ડોઝ આપી શક્યા છીએ.એટલે કે સરેરાશ 11.09 લાખ ડોઝનું વેકસીનેશન થયું છે.જો કે પ્રારંભની ધીમી ગતિ બાદ હવે રસીકરણ અભિયાને જોર પકડ્યું છે અને હવે રોજના 37 લાખ ડોઝ આપવા સુધીની ક્ષમતા આપણે પ્રાપ્ત કરી લીધી છે.

પણ મહત્વનો મુદ્દો રાજ્યોમાં રસીકરણ માટે જરૂરી આંતર માળખાકીય સુવિધાનો છે.ગુજરાતમાં 9964 રસીકરણ કેન્દ્રો છે તો અત્યાર સુધીમાં 75 લાખ ડોઝ આપી શકાયા છે.મહારાષ્ટ્રમાં 6216 કેન્દ્રો હોવા છતાં 84.35 લાખ લોકોનું રસીકરણ થયું છે.રસીકરણ કેન્દ્રોની સંખ્યા જ્યાં ઓછી છે એ બિહાર અને મધ્ય પ્રદેશમાં અત્યાર સુધીમાં અનુક્રમે માત્ર 36.65 લાખ અને 46.51 લાખ ડોઝ જ આપી શકાયા છે.છત્તીસગઢમાં પણ આંકડો 33.20 લાખ સુધી માંડ પહોંચ્યો છે.7072 કેન્દ્રો ધરાવતા રાજસ્થાનમાં 79.72 લાખ લોકોને રસી અપાઈ છે.(આ આંકડા નવ તારીખ સુધીના છે)તાતપર્ય એ કે વેકસીનેશન વધારવું હોય તો દરેક રાજ્યોમાં રસીકરણ કેન્દ્રો,મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ અને વહીવટી ક્ષમતા વધારવી પડશે.

બીજો મહત્વનો મુદ્દો વેકસીનના પુરવઠાનો છે.આપણે રોજના 40 લાખ ડોઝ આપવાનું લક્ષય સિદ્ધ કરવું હોય તો મહિને 12 કરોડ ડોઝની જરૂર પડે.સીરમ ઇન્સ્ટિટ્યૂટના આદર પૂનાવાલા ના જણાવ્યા અનુસાર અત્યારે તેમની માસિક ઉત્પાદન ક્ષમતા 6 કરોડ ડોઝની છે.જૂન સુધીમાં 10 કરોડ ડોઝની ઉત્પાદન ક્ષમતા થઈ શકશે એવો તેમનો અંદાજ છે.આ સંજોગોમાં રસિકરણની ઝડપ વધે તો પણ સપ્લાયની સમસ્યા તો રહેવાની જ.

વડાપ્રધાને આરટી પીસીઆર ટેસ્ટ વધારવાનું સૂચન કર્યું છે.આ એક ક્ષેત્ર એવું છે જેમાં આપણે પહેલેથી માર ખાઈ ગયા છીએ.કોરોનાના પ્રારંભે જ તજજ્ઞોએ કહ્યું હતું કે કોરોનાને કાબુમાં લેવાનો એક માત્ર ઉપાય ટેસ્ટિંગ વધારવાનો છે.કમભાગ્યે એ ક્ષેત્રે આપણી કાર્યવાહી મંદ રહી હતી.વર્તમાન આંકડા જ જોઈએ તો ભારતમાં દર દશ લાખ લોકો દીઠ 182709 ટેસ્ટિંગ થયા છે.અમેરિકાએ પોતાની આખી વસ્તીનું ટેસ્ટિંગ કરી લીધું છે.એટલું જ નહીં દર દશ લાખે અઢી લાખના રિપીટ ટેસ્ટ થયા છે.ફ્રાન્સ અને ઈંગેલન્ડમાં પણ કુલ વસ્તી કરતાં વધારે ટેસ્ટ થયા છે.દર દશ લાખે ઇટાલીએ 8.62 લાખ,સ્પેને 9.29 લાખ,તુર્કીએ 4.78 લાખ અને ઇરાને 2 લાખ ટેસ્ટ કર્યા છે.ઇઝરાયેલે પણ કુલ વસ્તી કરતાં દોઢા ટેસ્ટ કર્યા છે.

- text

ભારતમાં સંક્રમણની ચેન તોડવી હોય તો ટેસ્ટિંગ અનેકગણું વધારવું પડશે.પણ એ થોડું મુશ્કેલ લાગી રહ્યું છે.દેશના કુલ 741 જિલ્લા અને 5500 તાલુકા વચ્ચે આરટી પીસીઆર ટેસ્ટ કરી શકે તેવી કુલ માત્ર 2370 લેબોરેટરી છે.તેમાં પણ અંદાજે 25 ટકા લેબોરેટરીમાં આરટી પીસીઆર નહીં પણ સિબી નેટ અને ટ્રુ નેટ નામે ઓળખાતા ટેસ્ટ થાય છે.આ 2370 લેબોરેટરીમાંથી 1216 સરકારી અને 1154 ખાનગી લેબ છે.

ગુજરાતની વાત કરીએ તો 33 જિલ્લા અને 252 તાલુકા વચ્ચે 43 સરકારી અને 50 ખાનગી મળી કુલ 93 લેબોરેટરી છે.તેમાંથી આરટી પીસીઆર ટેસ્ટ 62 લેબોરેટરીમાં થાય છે.તેમાંથી 28 તો અમદાવાદમાં છે.રાજ્યના બીજા નંબરના શહેર સુરતમાં 6 અને વડોદરામાં 9 લેબોરેટરીમાં આ ટેસ્ટ થાય છે.રાજકોટમાં માત્ર બે જ લેબ છે.અમરેલી,ભાવનગર,સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં એક એક લેબોરેટરી છે.જે જિલ્લા મથકોમાં મેડિકલ કોલેજ નથી ત્યાં આરટી પીસીઆર ટેસ્ટ કરવાની સુવિધા નથી.તાલુકા કક્ષાના એક પણ નગરમાં લેબોરેટરી નથી.પરિણામે એ બધા નગરોના સેમ્પલ્સ નજીકના જિલ્લા મથકની અથવા તો અમદાવાદની લેબોરેટરીઓમાં મોકલવા પડે છે.અત્યારે આ લેબોરેટરીઓમાં સેમ્પલસનો એટલો ભરાવો થઈ ગયો છે કે છેક ત્રણ દિવસે રિપોર્ટ મળે છે.રિપોર્ટ વગર યોગ્ય નિદાન થતું નથી કે સારવાર શરૂ કરી શકાતી નથી.એ ત્રણ દિવસ દરમિયાન શરીરમાં રોગનું પ્રમાણ વધી જવાનું જોખમ રહે છે.આરટી પીસીઆર ટેસ્ટ વધારવા માટે લેબોરેટરીની સંખ્યા વધારવી પડશે.

કોરોનાનું સંક્રમણ ભયજનક હદે વધતું જ જાય છે.કમનસીબે આ મહામારીમાં પણ રસી મુદ્દે રાજકારણ રમાય છે.કોણ સાચું અને કોણ ખોટું એ કોરાણે મૂકીએ તો પણ કેટલાક રાજ્યોમાં રસીનો સ્ટોક ન હોવાને કારણે કેન્દ્રો બંધ કરાયાના અહેવાલ છે.

ભારતમાં અત્યાર સુધીમાં દશ કરોડ જેટલા ડોઝ અપાઈ ચુક્યા છે.તેની સામે આપણે કોવેક્સ યોજના હેઠળ તથા ગ્રાન્ટ અને વેચાણ મળીને12.88 કરોડ ડોઝ એક્સપોર્ટ કર્યા છે.આપણે દાન ધર્માદો કરીએ એ સારી વાત છે અને તેના પુણ્ય રૂપે વિશ્વમાં આપણી ગુડવીલ વધે એ પણ આવકાર્ય છે પણ પહેલી પ્રાથમિકતા ઘર આંગણે પૂરતો સ્ટોક મળી રહે તે હોવી જોઈએ.ઘર બાળીને તીરથ ન કરાય.

કોરોનાથી પીછો છોડાવવો હોય તો રસીકરણ અનિવાર્ય છે.આજે રસીનો પહેલો ડોઝ લેનાર બીજો ડોઝ 36 દિવસ પછી લેશે અને તેના 14 દિવસ પછી એ વ્યક્તિનું ઈમ્યુનિટી લેવલ કોરોનાને હરાવવા જેવું થશે.એટલે કે રસી એ લાંબા ગાળાનું આયોજન છે.બે ડોઝ લઇ લેનારા સંક્રમણથી બચી શકશે.એટલે વેકસીન લેવી,લેવી અને અચૂક લેવી જ.રસીકરણ મહોત્સવ પણ ઉજવવો.પણ આજના તબક્કે પ્રાથમિકતા તો સંક્રમણ અટકાવવાની જ હોવી જોઈએ.

ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારાઈ રહી છે.એ તો વધે ત્યારે સાચું.અત્યારે તો સરકારી હોસ્પિટલોમાં પણ જગ્યા નથી.લોબીમાં સ્ટ્રેચર રાખવા પડે છે.રેમડેસીવર ઉપલબ્ધ થયાના દાવા વચ્ચે કલાકો સુધી કતારોમાં ઉભું રહેવું પડે છે.વેચાણ વ્યવસ્થા વધુ વ્યાપક અને સરળ બને,તાલુકા અને ગ્રામ્ય મથકોમાં પણ એ સહેલાઈથી પ્રાપ્ય બને તે જરૂરી છે.

આ વખતે કોરોનાનો ચેપ ઝડપથી ફેલાય છે.ઘરમાં એક સભ્યને કોરોના થાય અને તેના લક્ષણો દેખાય ત્યાં સુધીમાં આખું ઘર ઝપટમાં આવી જાય છે.કોણ કોને સાચવે, કોણ કોની સેવા કરે,કોણ રેમડેસિવર માટે લાઈનમાં ઉભું રહે એ સમસ્યા છે.લોકોની ખુશીઓ છીનવાઈ ગઈ છે.રાજમાર્ગો એમ્બ્યુલન્સના અકળાવનારા સાયરનોથી ગાજતા રહે છે.શબવાહિનીઓમાં વાગતી રામધૂન સાંભળી સાંભળીને લોકો ફફડતા રહે છે.સ્મશાનોમાં રાખ થવા માટે મૃતદેહોને પણ કલાકો પ્રતીક્ષા કરવી પડે છે.તંત્રના ભરોસે રહેવાય તેવું નથી.લોકો પોતેજ સાવચેત રહે અને સંક્રમણથી બચે એ એક જ રસ્તો અત્યારે તો દેખાય છે.

- text