હાઇકોર્ટેમાં સુઓમોટો રીટમાં મોરબીની ગંભીર સ્થિતિનો ઉલ્લેખ

- text


રૂપાણી સરકારની ઝાટકણી કાઢતી હાઇકોર્ટ : રાજ્યના માત્ર પાંચ શહેરો જ નહીં મોરબી, મહેસાણા જેવા શહેરોમાં પણ ચિંતાજનક સ્થિતિ

મોરબી : કોરોના મહામારીમાં મોરબીમાં ગંભીર પરિસ્થિતિ નિર્માણ થઈ હોવાનું આજે ગુજરાત હાઇકોર્ટ દ્વારા હાથ ધરવામાં આવેલી સુઓમોટો રિટમાં નોંધી ગુજરાતની રૂપાણી સરકારની કોર્ટે બરાબરની જાટકણી કાઢી હતી.

રાજ્યમાં દિવસેને દિવસે વણસી રહેલી કોરોનાની સ્‍થિતિની ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લઈ આજે ગુજરાત સરકારને આડેહાથ લીધી હતી અને રાજ્‍ય સરકારને તાકીદ કરતા સૂચનો કર્યા હતા.

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્‍ટીશ વિક્રમનાથ અને જસ્‍ટીશ ભાર્ગવ કારીયાની બેચ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજ્‍ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆતો કરી હતી. આ દરમિયાન હાઈકોર્ટે જણાવ્‍યુ હતુ કે અત્‍યારે લોકો ભગવાન ભરોસે છે. લોકોને સરકાર ઉપર વિશ્વાસ નથી તેથી લોકોમાં વિશ્વાસ જગાડો. સરકારની અમુક નીતિઓથી અમે પણ નારાજ છીએ એવુ કહેતા હાઈકોર્ટે ઉમેર્યુ હતુ રાજ્‍યમાં બેડ છે, ઈન્‍જેકશન છે, ઓકિસજન છે છતા ૪૦ – ૪૦ એમ્‍બ્‍યુલન્‍સની લાઈનો કેમ લાગે છે ?

ઉલ્લેખનીય છે કે કોરોનાની સ્ફોટક સ્થિતિ અંગે હાથ ધરાયેલ સુઓમોટો રિટની સુનાવણીમાં નામદાર હાઇકોર્ટ દ્વારા મોરબી જિલ્લાની પરિસ્થિતિની પણ ગંભીર નોંધ લેવામાં આવી હોવાનું અને રાજ્યમાં માત્ર પાંચ મોટા શહેરો જ નહીં પણ મોરબી, મહેસાણા સહિતના અન્ય શહેરોમાં દર્દીઓની હાલત ખરાબ હોવાના મુદ્દાઓ હાઇકોર્ટ દ્વારા ધ્યાન ઉપર લેવામાં આવ્યા છે.

- text

સરકારે પ્રજાની પીડા સમજવી જોઈએ અને નક્કર પગલા લેવા જોઈએ. હાઈકોર્ટે એવુ પણ કહ્યુ હતુ કે સામાન્‍ય માણસને ટેસ્‍ટનો રીપોર્ટ મેળવવામાં ચારથી પાંચ દિવસ લાગી જાય છે જ્‍યારે વીઆઈપીઓને તેનો રીપોર્ટ કલાકોમાં મળી જાય છે. સરકારે ટેસ્‍ટીંગ અને સેમ્‍પલ કલેકશનમાં ઝડપ લાવવાની જરૂર છે. તાલુકા અને ગ્રામ્‍ય લેવલે તો આરટીપીસીઆર ટેસ્‍ટની કોઈ સુવિધા નથી તે ચિંતાની બાબત છે.

ગુજરાતમાં સુઓમોટો જાહેરહીતની અરજી મામલે સુનાવણી હાથ ધરાઈ હતી જેમા હાઈકોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે કહ્યુ હતુ કે જાહેર કાર્યક્રમો બંધ કરાવવા જોઈએ. લગ્ન અને મરણ પ્રસંગમાં માત્ર ૫૦ લોકોને જ પરવાનગી આપવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે કોરોનાની વિકટ સ્થિતિમાં પ્રજાને ભગવાન ભરોસે મૂકી દેનાર રાજ્ય સરકારે મીડિયામાં આવતા રિપોર્ટને ખોટા ગણાવવા પ્રયાસ કરતા હાઇકોર્ટે ગંભીર વલણ અખત્યાર કરી સ્પષ્ટપણે કહ્યું હતું કે મીડિયા જવાબદારી પૂર્વક રિપોર્ટિંગ કરી રહ્યું છે અને વર્તમાન પરિસ્થિતિથી અમે પણ વાકેફ છીએ.

ગુજરાત હાઈકોર્ટે જણાવ્‍યુ હતુ કે રેમડેસિવિર ઈન્‍જેકશન એક જ જગ્‍યાએ કેમ મળે છે ? લોકોને ઘેર બેઠા ઈન્‍જેકશન કેમ નથી મળતા ? હાઈકોર્ટે સુઓમોટો અંગે વધુ સુનાવણી આગામી તા.૧૫ એપ્રિલે હાથ ધરનાર છે.

- text