ટંકારામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવાની માંગ

- text


ટંકારા શહેર-તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળે જિલ્લા કલેકટરને કરી રજુઆત : ધારાસભ્ય કગથરા અને પૂર્વ ધારાસભ્ય મોહનભાઇને પણ ટંકારા માટે કંઈક કરી છૂટવા પ્રજાની માંગ

ટંકારા : મોરબી જિલ્લામાં કોવિડ-19ના વધી રહેલા કેસો વચ્ચે આમ જનતા પીડાઈ રહી છે. ખાનગી- સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને સમાવવાની જગ્યા નથી ત્યારે ટંકારા શહેર-તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળે જિલ્લા કલેકટરને ટંકારા ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ કરવાની રજુઆત કરી છે. સાથો સાથ પીપીઈ કીટ પહેરી યાર્ડની ચૂંટણીમાં મેદાને ઉતરેલા વર્તમાન ધારાસભ્ય કગથરા અને પૂર્વ ધારાસભ્ય મોહનભાઇ કુંડારિયા પણ ટંકારા માટે યોગ્ય વ્યવસ્થા કરે તેવી માંગ પ્રજાજનો પણ ઉઠાવી રહ્યા છે.

ટંકારા શહેર-તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળે મોરબી જિલ્લા કલેકટરને ટંકારામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવાની રજુઆત કરતા જણાવ્યું છે કે, ટંકારા શહેર-તાલુકાના કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર અર્થે મોરબી કે રાજકોટ જવું પડે છે. જે તે શહેરમાં પહોંચ્યા બાદ ત્યાં પણ જગ્યાના અભાવે ઠેર ઠેર રઝળવું પડતું હોય ટંકારામાં 100 બેડનું કોવિડ કેર સેન્ટર તુરંત શરૂ કરવામાં આવે. નાગરિકોને પડતી હાલાકી દૂર કરવા આ રજુઆતને ધ્યાને લઇ ત્વરિત નિર્ણય કરવા ટંકારા શહેર-તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળે અનુરોધ કર્યો છે.

- text

અંતમાં ટંકારાના પ્રજાજનોએ પણ યાર્ડની ચૂંટણી વખતે પીપીઈ કીટ પહેરી મેદાને આવેલા ધારાસભ્ય લલિતભાઈ કગથરા અને ભૂતકાળમાં ટંકારાની પ્રજાએ જેમને સતત જીત અપાવી હતી તેવા મોહનભાઇ કુંડારિયા પ્રજાજનોનું દર્દ સમજે અને તાત્કાલિક સુવિધા આપે તેવી માંગ ઉઠાવી છે.

- text