કાંઠે રહીને તરસ્યો રહ્યો ટંકારાનો સારણ ડેમ

- text


 

સારણ ડેમના કિનારેથી સૌની યોજના પસાર થતી હોવા છતાં પાણી નથી ઠાલવાતું : તાલુકા પંચાયત પણ ભાજપરાજ હવે તો ડેમ ભરો

ટંકારા : દેશ રાજ્યની સંવેદનશીલ સરકારના રાજમાં હવે તો ટંકારા તાલુકા પંચાયતમાં પણ લોકોએ હસી ખુશીથી ભાજપને રાજ સોંપ્યું છે ત્યારે કાંઠે રહીને તરસ્યા જેવી સ્થિતિમાં રહેલા ટંકારા તાલુકાના સારણ ડેમને ભરવા ખેડૂતોએ માંગ ઉઠાવી છે, સારણ ડેમના કિનારેથી જ સૌની યોજનાની વિશાળ લાઈન પસાર થતી હોય રાજકીય ઇચ્છા શક્તિ જાગૃત કરી તાત્કાલિક સારણને પાણીથી ભરવામાં આવે તો અનેક જીવોનું કલ્યાણ થઈ શકે તેમ હોવાનું સ્થાનિકો માંગ ઉઠાવી રહ્યા છે.

ટંકારાના ઉગમણા સિમાડે હડમતીયા – કોઠારીયા રોડ ઉપર રાજ્યના મુખ્ય મંત્રી સ્વ. કેશુભાઈ પટેલ દ્વારા ધરતી પુત્રોને સિંચાઈનુ પાણી મળે એવા ઉમદા હેતુથી સારણ ડેમનુ નિર્માણ કર્યું હતું અને પાંચેક વર્ષ પહેલાં સૌની યોજના હેઠળ ટંકારાનુ પેટાળ ચીરી જામનગર જિલ્લાના ડેમ ભરવા નાખેલી મહાકાય પાઇપ લાઈન પણ ડેમના કિનારેથી પસાર થઈ ગઈ છતા પણ આ ડેમ તરસ્યો જ રહ્યો છે.

ટંકારા તાલુકાના હડમતીયા કોઠારીયા સહિતના ગામો માટે આશીર્વાદ રૂપ આ સારણ ડેમ ભરવાની કોઈ અરજી ધ્યાનમાં ન લેતા સારણ ડેમની સ્થિતિ આજે કિનારે રહી તરસ્યા જેવી સર્જાઈ છે અને રીતસર એર વાલ્વમાંથી લીકેજ થતું નદીમા વહી જતું પાણી પણ સારણ ડેમ સુધી પહોંચાડવામાં આવતું જેના કારણે ખેડુતો નારાજ થઈ સરકાર દ્વારા ટંકારાના ખેડૂતોની દરકાર ન લેવાતી હોવાનો બળાપો કાઢી રહ્યા છે.

- text

સારણ ડેમ ભરવા અંગે ધારાસભ્ય, સાંસદ, જીલ્લા – તાલુકા પંચાયત અને સિંચાઈ વિભાગના અધિકારીઓથી લઈને આલા સેવકોને સવાલો કરવા છતા સમસ્યાનું કોઈ સમાધાન થયુ નથી અત્યારે ભર ઉનાળામાં પાણીની લાઈન ચાલુ છે અને કાઠેથી પાણી વહી જાય છે પરંતુ ડેમમા એક ટીપું પણ આવતુ નથી ત્યારે કમસેકમ ભાજપના નેતાઓ તાલુકા પંચાયતમાં પ્રજાએ આપેલ મતનું મૂલ્ય આંકી ડેમને છલોછલ નહિ તો કઈ નહિ થોડા ઘણા અંશે ભરે તો અબોલ જીવોનું કલ્યાણ થાય તેમ હોવાનો બળાપો કાઢી રહ્યા છે.

- text