હળવદમાં સદગુરુ નિ:શુલ્ક નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો

- text


કેમ્પમાં 504 દર્દીઓએ આંખની તપાસ કરાવી 

118 દર્દીઓને મોતિયાના નિઃશુલ્ક ઓપરેશન માટે રાજકોટ રીફર કરાયા

હળવદ : હળવદ મધ્યે આવેલ શ્રી વૈજનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં શ્રી રણછોડદાસજી બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ અને ભારત સેવક સમાજ દ્વારા શ્રી સદગુરુ મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં હળવદ શહેર અને હળવદ આસપાસના ગ્રામ્ય વિસ્તારના આંખની તકલીફ હોઈ તેવા દર્દીઓએ લાભ લીધો હતો.

જેમાં કુલ ૫૦૪ દર્દીઓએ આંખની તપાસ કરાવી હતી. જેમાંથી ૧૩૨ દર્દીઓને મોતિયાનું નિદાન આંખના નિષ્ણાંત તબીબ ડૉ. કિરીટ આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાંથી ૧૧૮ મોતિયાના દર્દીઓને રાજકોટ ખાતે આવેલ સેવાકીય સંસ્થા શ્રી રણછોડદાસજી બાપુ આંખની હોસ્પિટલ ખાતે મોતિયાના ટાંકા વગરના ઓપરેશન આધુનિક ફેકો મશીનથી કરવા માટે રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં દર્દીઓને ચા-પાણી-નાસ્તો-રહેવા-જમવા અને દવા-ટીપાં ચશ્માં અને જરૂરી દવા નિઃશુલ્ક આપવામાં આવશે.

આ કેમ્પમાં શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દિપકદાસ મહારાજ અને પ્રભુચરણ મહારાજ અને શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના પ્રમુખ પ્રવીણભાઈ દેરાશ્રી અને ભારત સેવક સમાજના શિરીશભાઈ ઓઝા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પના દાતા તરીકે સ્વ. પ્રમોદભાઈ કેશવજીભાઈ દવે પરિવાર હસ્તે તપન દવે અને વિરલ દવે અને સ્વ. હરિદાસ રતનદાસ કિલાવત (ઘનશ્યામપુર) પરિવાર હસ્તે કંચનબેન સાધુ અને ગીરીશભાઇ સાધુ રહ્યા હતા.

આ કેમ્પમાં દર્દીઓની વિશેષ સંખ્યા થતા રાજકોટ ઓપરેશન માટે લઈ જવા માટે સાંદિપની સ્કૂલના સંચાલક હિતેન ઠક્કરે સહકાર આપ્યો હતો અને શ્રી વૈજનાથ મહાદેવ મંદિરના સંચાલકોએ પણ ખૂબ જ સહકાર આપ્યો હતો. અને આ કેમ્પને સફળ બનાવવા હળવદના પત્રકારો અને એનાઉન્સર રાજુભાઇ દવેએ આ કાર્યક્રમની વિગત વ્યાપક રીતે પ્રસિદ્ધ કરી હતી ત્યારે આયોજકો દ્વારા આ કાર્યમાં સહયોગ આપનાર તમામ લોકોનો હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.

- text

આ કેમ્પને સફળ બનાવવા ભારત સેવક સમાજ સુરેન્દ્રનગર અને શ્રી રણછોડદાસજી આંખની હોસ્પિટલ રાજકોટના ડૉ. કિરીટ આચાર્ય તથા હળવદના સ્થાનિક સેવાભાવીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text