દેશમાં હવે જય જવાન, જય કિશાન સાથે જય ઉદ્યોગનો નારો જરૂરી : પ્રકાશ વરમોરા

- text


મોરબી : વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રિઝ (વીસીસીઆઇ)ના એપના લોન્ચિંગ પ્રસંગે ઉપસ્થિત રહેલા એફઆઇએના પ્રમુખ પ્રકાશભાઇ વરમોરાએ જણાવ્યુ હતુ કે, કપરા કાળમાં પણ ભારતીય ઉદ્યોગો ખૂબ જ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે, ઝડપી વિકાસદર હાંસલ કરવા સરકારે ઉદ્યોગોને સહાય કરતી નીતિઓ ઘડવી પડશે તેમ જણાવી હવે, જય જવાન જય કિશાનની સાથે સાથે જય ઉદ્યોગનો નવો નારો પણ જગાડવો જોઇએ જે સમયની માંગ છે.

વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના કાર્યક્રમમાં એફઆઈએના પ્રમુખ અને મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ પ્રકાશભાઈ વરમોરાએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન દેશની ઇકોનોમીને પોણા ત્રણ ટ્રિલિયનથી વધારી ૨૦૨૪માં પાંચ ટ્રિલિયન અને ૨૦૩૦માં દસ ટ્રિલિયન પહોચાડવાનું છે. તેમાં સહાયરૂપ થવા લીડરશીપ લઇ લક્ષ્ય નક્કી કરવાનો છે. વિશ્વના વિકાસમાં ભારતની ભાગીદારીથી વિશ્વગુરૂ બનાવવાનો સમય પાકી ગયો છે. વિકાસની ભૂખ રાખી વન ટીમ વન મીશન તરફ આગળ વધવા અપીલ કરતા દેશના ગ્રોથ એન્જીનમાં ઉદ્યોગોની ભાગીદારી જોતા જય જવાન, જય કિશાન સૂત્રની સાથે પ્રવર્તમાન સંજોગોમાં જય ઉદ્યોગ સૂત્ર આપવું જોઈએ તેમ ઉમેર્યું હતું.

આ તકે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ નટુભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, નવી ટેક્નોલોજી સાથેનું એમએસએમઇનો મૂળ પાયો જ વડોદરામાં છે. કોમ્પ્યુટર, ટેક્નોલોજી, એનરોઇડ મોબાઇલ ટેક્નોલોજી, ઔદ્યોગિક ઓટોમેશનના આ યુગમાં દરેક ઉદ્યોગકારે પોતાને અપગ્રેડ કરવાની તૈયારી રાખવી જોઇ્એ.

- text

કેન્દ્ર સરકારના એમએસએમઇની નેશનલ એડવાઇઝરી કમિટીના સભ્ય હેમલબેન મહેતાએ જણાવ્યુ હતુ કે, વીસીસીઆઇ એપ દ્વારા મેઇક ઇન વડોદરાની સિદ્ધિ મેળવી શકાશે. વડાપ્રધાનના પાંચ ટ્રિલિયન ઇકોનોમીના ટાર્ગેટમાં પણ મદદરૂપ થઇ શકાશે. એમએસએમઇના રાષ્ટ્રીય સભ્યના નાતે તેમણે બનતી તમામ મદદ પૂરી પાડવા તૈયારી બતાવી હતી.

આર.આર. ગ્લોબલના ચેરમેન ત્રિભોવન કાબરાએ એપનો સૌથી વધુ ઉપગોય કરી શકાય તેવું ચિંતન થવુ જોઇએ તેની પર ભાર મૂકતાં જણાવ્યુ હતુ કે, તમારી શક્તિને ઓળખો, તેને જગાડી મંઝીલ તરફના રસ્તે આવતા તમામ અવરોધોને હર્ષથી સ્વિકારી હિમંતભેર સામનો કરો અને ફતેહ મેળવો. પરિવર્તનને અપનાવો, પ્રોડક્ટિવિટીમાં વધારો કરવા ઓટોમેશન અપનાવો અને ટેક્નોલોજી અપગ્રેડ કરો. કોઇ પણ લઘુ ઉદ્યોગોને ટેક્નિકલ કોમર્શિયલ અને ફાઇનાન્સિયલ તકલીફ હોય તો મદદ કરવા સદા તત્પર હોવાનું જણાવ્યુ હતું.

આ ઉપરાંત કેવાયબી કોનમેટના એમડી પ્રેમરાજ કશ્યપ, એસ્ટ્રેલ સ્ટેરિટેકના સીએમડી ડો. દુષ્યંત પટેલ, એલમેક્સ ગ્રુપ ઓફ કંપનીઝના એમડી વિપુલ રાવ સહિત મધ્ય ગુજરાતના ૨૭ જેટલા ઔદ્યોગિક સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text