વિજયભાઈ રૂપાણીની તબિયત લથડયા બાદ ચેકઅપ દરમિયાન કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ

- text


અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ 

ગઈકાલે રવિવારે વડોદરામાં જાહેરસભા દરમ્યાન તબિયત લથડતા કરાયા હતા દાખલ

મોરબી: રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓમાં ચિંતા વ્યાપી ગઈ છે.

ગઈકાલે રવિવારે ઢળતી બપોરે વડોદરામાં એક ચૂંટણી સભાને સંબોધન દરમ્યાન બી.પી. અને સ્યુગર લેવલ ઓછું થઈ જતા તેઓ સ્ટેજ પર જ ઢળી પડ્યા હતા. જો કે સ્ટેજ પર જ પ્રાથમિક સારવાર બાદ તેઓ સ્વસ્થ થયા હતા અને સભા સ્થળેથી સીધા જ તેઓને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ચેક-અપ માટે ખસેડાયા હતા.

આજે સોમવારે બપોરે હોસ્પિટલે મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય સંદર્ભે એક હેલ્થ બુલેટિન બહાર પાડ્યું છે જેમાં મુખ્યમંત્રી કોરોના પોઝિટિવ હોવાનું જણાવતા પાર્ટીના નેતાઓ અને કાર્યકરોમાં હડકંપ મચી ગયો છે.

- text

હોસ્પિટલે બહાર પાડેલા હેલ્થ બુલેટિનમાં જણાવ્યા અનુસાર ઇ.સી.જી, 2ડી ઇકો, બ્લડ ટેસ્ટ વગેરે કરાયા હતા જે નોર્મલ રહ્યા હતા. જો કે, કોરોના માટે આર.ટી. પી.સી.આર. ટેસ્ટનું ગઇરાત્રે લેવામાં આવેલું સેમ્પલ આજે સવારે પોઝિટિવ આવ્યું હતું. આથી તેઓને યુ.એન. મહેતા હોસ્પિટલમાં જ હાલ તો સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. હાલ તેઓનું સ્વાસ્થ્ય સ્થિર છે.

છેલ્લા દિવસોમાં મુખ્યમંત્રીએ અનેક જાહેર કાર્યક્રમોમાં ભાગ લીધો હોવાથી તેઓની સાથે સંપર્કમાં આવેલા લોકોની ચિંતામાં પણ વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે રવિવારે જાહેરસભામાં મુખ્યમંત્રી ઢળી પડ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સીએમ સાથે ટેલિફોનિક વાતચીત કરી તેઓના ખબરઅંતર પૂછ્યા હતા.

- text