વાંકાનેર પાલિકામાં ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ : ડમી ફોર્મ ભરનાર જીતુ સોમાણી હવે ચૂંટણી જંગમાં

- text


નાટકીય રીતે વોર્ડ નંબર ત્રણના ભાજપના ઉમેદવારનું ફોર્મ અમાન્ય ઠરતાં ત્રેસઠ વર્ષના જીતુ સોમાણીની અઢી ડગલાની ચાલ સફળ

વાંકાનેર : વાંકાનેર નગરપાલિકામાં છેલ્લા 25 વર્ષથી એકચક્રી શાસન ચલાવનાર ભાજપના પીઢ નેતા જીતુ સોમાણી 60 વર્ષની ઉંમર અને ત્રણ ટર્મ રહ્યા હોય તેવા નેતાને ટિકિટ નહીં આપવાના ભાજપના નિયમનો ઉકેલ શોધી કાઢી બન્ને નિયમ હેઠળ આવતા હોવા છતાં અઢી ડગલાની ચેસની રમતની ચાલની જેમ આજે ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ થતા ડમી તરીકે જીતુ સોમાણી ચૂંટણી મેદાનમાં આવી ગયા છે.

- text

પ્રદેશ ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ ફાળવણી માટે 60 વર્ષની વયમર્યાદા અને ત્રણ ટર્મ ચૂંટણી લડ્યા હોય તેવા ઉમેદવારોને ટિકિટ નહીં આપવાનું નક્કી કરતા વાંકાનેર નગરપાલિકામાં છેલ્લા 25 વર્ષ સુધી શાસન ચલાવનાર ભાજપના જીતુ સોમાણીને ટિકિટ મળવા સામે પ્રશ્નાર્થ ખડો થયો હતો અને તેમને ટિકિટ મળી પણ ન હતી પરંતુ આજે ઉમેદવારીપત્રોની ચકાસણી દરમિયાન વાંકાનેર પાલિકાના વોર્ડ નંબર ત્રણના ભાજપના સત્તાવાર ઉમેદવાર જગદીશભાઈ મણિલાલ રાજવીરનું ફોર્મમાં ભાગ નંબર અને ક્રમ નંબર દર્શાવવામાં ક્ષતિ હોય ચૂંટણી અધિકારી દ્વારા આ ભૂલ સુધારવા તક આપવામાં આવી હતી પરંતુ ઉમેદવાર હાજર ન રહેતા અંતે ભાજપના સત્તાવાર ઉમેદવારનું ફોર્મ અમાન્ય ઠેરર્વી જીતુ સોમાણીનું ડામી તરીકેનું ફોર્મ માન્ય કરવામાં આવ્યું હતું.

આમ, આજે વાંકાનેર પાલિકાના ચૂંટણી જંગમાં ભાજપના સત્તાવાર ઉમેદવારનું ફોર્મ અમાન્ય રહેવાની સાથે ભાજપના પીઢ આગેવાન એવા જીતુ સોમાણીનું ડમી તરીકેનું ઉમેદવારીપત્ર માન્ય રહેતા પ્રદેશ ભાજપના નિયમનો ઉલાળિયો થયો તેવું પણ ન કહી શકાય તે રીતે 63 વર્ષના અનુભવી અને લગલગાટ ત્રણ વર્ષ નહીં પરંતુ અનેક વર્ષો સુધી પ્રજાની સેવા કરનાર જીતુ સોમાણીનું ફોર્મ માન્ય ગણાયું છે અને આ પાછળ ચેસની અઢી ડગલાની ચાલ જેવી રણનીતિ પણ કામ કરી ગઈ હોવાનું વાંકાનેરમાં ચર્ચાઈ રહ્યું છે.

- text