લેખા જોખા : મોરબી જિલ્લા પંચાયતમાં બહુમતી હોવા છતાં કોંગ્રેસનું શાસન અસરકારક સાબિત ન થયું

- text


આરોગ્ય અને જાહેર સુખાકારી ,શિક્ષણ, રોડ-રસ્તા સહિતના પ્રજાના પ્રશ્નો ઠેરના ઠેર

આગામી ચૂંટણીમાં પરિવર્તન કે પુનરાવર્તન સો મણનો સવાલ

મોરબી : રાજકોટ જિલ્લામાંથી સ્વતંત્ર જિલ્લો બન્યા બાદ વર્ષ 2015માં મોરબી જિલ્લા પંચાયતની પ્રથમ ચૂંટણીમાં જ 24 પૈકી 22 બેઠકો ઉપર ઝળહળતો વિજય મળવા છતાં સતાધારી કોંગ્રેસપક્ષ આ જીતને પચાવી શક્યો ન હતો ઉલટું સતાની સાઠમારી અને અહમને કારણે સ્પષ્ટ બહુમત હોવા છતાં મોરબી જિલ્લાના પ્રજાજનોને બળવા જેવા શબ્દો સાંભળવા મળ્યા હતા,જો કે આ બધા નાટકો વચ્ચે કોંગ્રેસના શાસકો આરોગ્ય અને જાહેર સુખાકારી,શિક્ષણ,રોડ-રસ્તા સહિતના કામો પ્રજાને ભેટ આપી શક્યા નથી તે સ્પષ્ટ વાત છે ત્યારે આ ચૂંટણીમાં તો પાટીદાર અનામત આંદોલન ઇફેક્ટ પણ વિસરાય ગઈ હોય આગામી ચૂંટણીમાં પરિવર્તન આવશે કે પુનરાવર્તન તે બાબત તરફ સૌની મીટ મંડાઈ છે.

મોરબી જિલ્લો સ્વતંત્ર રીતે અસ્તિત્વમાં આવ્યા બાદ વર્ષ 2015માં પ્રથમ વખત જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી જેમાં કુલ 24 બેઠકો પૈકી હળવદ તાલુકાની માથક અને ઘનશ્યામપુર બે બેઠક ભાજપના ફાળે ગઈ હતી જયારે અન્ય તમામ 22 બેઠકો ઉપર પાટીદાર અનામત આંદોલનની ઇફેક્ટને કારણે કોંગ્રેસના ઉમેદવારોએ ઝળહળતો વિજય મેળવ્યો હતો. વિજય મળ્યાના પ્રથમ અઢી વર્ષ મહિલા પ્રમુખ સોનલબેન ઝાકાસણીયાના નેતૃત્વમાં યોગ્ય શાસન ચાલ્યા બાદ પછીના અઢી વર્ષના શાસનમાં જિલ્લા પંચાયતના સદસ્યોમાં રીતસરનો આંતરિક વિવાદ સર્જાતા પક્ષના આદેશને અવગણી મોટા દહિસરા બેઠક ઉપરથી ચૂંટાયેલા કિશોર ચીખલીયાએ બગાવત કરી પ્રમુખપદ હાંસલ કરી લીધું હતું.તો બીજી તરફ ભાજપે પણ વિકાસ કમિશનરના હથિયારનો ઉપયોગ કરી વિકાસકામો ઉપર ડિસ્કબ્રેક લગાવામાં સફળતા મેળવી હતી.દરમિયાન મોરબી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના ઓપનિંગ શાસનમાં જુદા-જુદા પરિબળોને કારણે સતાધારી કોંગ્રેસ પક્ષ રોડ-રસ્તા, જાહેર આરોગ્ય અને સુખાકારી, શિક્ષણ જેવા પ્રાથમિક વિકાસકામો કરવામાં પણ પૂર્ણ રીતે સફળ બની શકી ન હતી સાથો સાથ જિલ્લા સેવા સદન ખાતે નવ નિર્મિત જિલ્લા પંચાયત કચેરી કાર્યાન્વિત કરાવવામાં પણ સફળ થઇ શકી ન હતી.

- text

ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લા પંચાયતમાં માત્ર બે જ વિપક્ષી સભ્ય હોય વિપક્ષનો પન્નો ટૂંકો પડ્યો હતો પરંતુ સતાધારી પક્ષના ચૂંટાયેલા સભ્યોને જ બિનખેતીના વહીવટમાં આંતરિક ડખ્ખા સર્જાવાની સાથે ભ્રષ્ટાચારનો મામલો છેક એન્ટી કરપશન બ્યુરો સુધી પહોંચ્યો હતો અને જિલ્લા પંચાયતમાં બગાવતની સાથે શાસનના અંતિમ તબક્કે સતાધારી જિલ્લા પ્રમુખે પક્ષ પલટો કરી ભાજપનો કેસરિયો ધારણ કરી લેતા પ્રજાને આ પાંચ વર્ષમાં અનેક નાટકો જોવા મળ્યા હતા.

5.38 લાખ મતદારો નક્કી કરશે મોરબી જિલ્લા પંચાયતનું શાસન

મોરબી જિલ્લા પંચાયતની કુલ 24 બેઠક માટે 5,38,270 મતદારો નોંધાયેલા છે.ગત સામાન્ય ચૂંટણીમાં મોરબી જિલ્લા પંચાયત માટે 73 ટકા જેટલું ઉંચુ મતદાન નોંધાયું હતું જો કે આ ઉંચા મતદાન પાછળ પાટીદાર અનામત આંદોલન કારણભૂત હતું ત્યારે આગામી ચૂંટણીમાં કેટલું મતદાન થાય છે તે આવનારો સમય બતાવશે.

સૌથી વધુ મતદાર મોરબી તાલુકામાં

મોરબી જિલ્લા પંચાયત હેઠળ કુલ પાંચ તાલુકા આવે છે જેમાં સૌથી વધુ 1,85,501 મતદારો મોરબી તાલુકાના છે જયારે વાંકાનેર તાલુકામાં 1,31,731,હળવદ તાલુકામાં 1,03,022,ટંકારા તાલુકામાં 68,057 અને માળીયા તાલુકામાં 49,959 મતદારો નોંધાયેલ છે.

જિલ્લા પંચાયતના ઓબીસી પ્રમુખ માટે બન્ને પક્ષમાં મૂંઝવણ

રાજ્યના વિકાસ કમિશનર દ્વારા જાહેર થયેલા નવા રોટેશન મુજબ મોરબી જિલ્લા પંચાયતના આગામી પ્રમુખ ઓબીસી જ્ઞાતિ માટે અનામત જાહેર કરવામાં આવ્યા છે જેને કારણે ભાજપ અને કોંગ્રેસમાંથી પ્રમુખ બનવા માંગતા અનેક લડાયક નેતાઓની મનની વાત મનમાં રહી ગઈ છે તો બીજી તરફ સક્ષમ ઓબીસી પ્રમુખપદના ઉમેદવાર શોધવા ભાજપ અને કોંગ્રેસપક્ષની નેતાગીરી મૂંઝવણમાં મુકાઈ છે.

- text