મોરના શિકારીઓ અને ચોરોથી ગામનું રક્ષણ કરવા ગ્રામજનો દ્વારા જ રાત્રી બંદોબસ્ત શરૂ કરાયો

- text


મોરના શિકાર અને ચોરીના બનાવો વધતા માળિયાના નાનાભેલા ગામના લોકોએ રાત્રી રોન શરૂ કરી

મોરબી : માળીયા મિયાણાં તાલુકાના નાનાભેલા ગામે છેલ્લા દિવસો દરમ્યાન સૌરક્ષિત રાષ્ટ્રીય પક્ષી એવા મોરના શિકારના બનાવો બનતા અને ચોરીના બનાવોમાં પણ વધારો થતાં ગ્રામજનોએ તંત્રના ભરોસે બેસી રહેવાને બદલે સ્વંય રાત્રી રોન શરૂ કરી છે.

ઠંડીનો પ્રકોપ વધતા જ માળીયા તાલુકાના નાનાભેલા ગામમાં ચોરીના બનાવોમાં વધારો થયો છે. સાથોસાથ ચોંકાવનારી બાબત એ છે કે આ વિસ્તારમાં વિચારતા રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરવા માટે શિકારીઓ મોડી રાત્રે નીકળી પડે છે. જેને લઈને સ્થાનિકો તથા યુવાનોએ કડકડતી ઠંડીમાં રાત્રે ગામમાં ચોકીદારી શરૂ કરી છે. રાત્રી પહેરો ભરવામાં ગ્રામના અગ્રણીઓ અરવિંદભાઈ કાવર, શાંતિભાઈ અઘારા, લાલજીભાઈ કાવર, સુરેશભાઈ, ડૉક્ટર પ્રકાશભાઈ, હર્ષદભાઈ કાવર, મોહનભાઈ વનગરા વિગેરેએ ટીમોની રચના કરી છે અને વ્હેલી રાત્રિથી પરોઢ સુધી સમગ્ર ગામમાં ફરીને સબ સલામતની આલબેલ પોકારી રહ્યા છે.

તંત્રના ભરોસે બેસી રહેવાને બદલે ગ્રામીણોએ સ્વંય ઉપરોક્ત બનાવોને રોકવા માટે પ્રયત્નશીલ બનવું પડ્યું હોય તંત્ર માટે શરમજનક બાબત તો છે જ, વધુમાં રાષ્ટ્રીય પક્ષીની જાળવણીની અગત્યતા તંત્ર સમજતું ન હોવાનો વસવસો પણ ગ્રામીણોમાં જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, મોરનો શિકાર કરવો એ ગંભીર ગુન્હાની વ્યાખ્યામાં આવે છે ત્યારે આવા શિકારી તત્વો સામે વન વિભાગ અને પોલીસ કડક હાથે કામ લ્યે તેવી લાગણી સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે.

- text

- text