દીદી, મારે પણ ભણવું છે, મારું નામ લખી લો ને! : મોરબી જિલ્લામાં શાળાથી વંચિત બાળકોનો સર્વે શરૂ

- text


મોરબી : સમગ્ર શિક્ષા અભિયાનનો મૂળ મંત્ર છે સૌ ભણે, સૌ આગળ વધે. સરકાર પણ ઈચ્છે છે કે જેટલા બાળકો જન્મે એટલા જીવે, જેટલા જીવે એટલા ભણે, જેટલા ભણે એટલા ગુણવત્તાલક્ષી શિક્ષણ મેળવે. એ માટે બાળકો માટેની ‘સર્વ શિક્ષા અભિયાન’ જેવી કલ્યાણકારી યોજનાઓ બહાર પાડેલ છે. સમગ્ર શિક્ષા અભિયાન બાળકોના નામાંકન, સ્થાયીકરણ, ગુણવત્તા માટે કાર્યરત છે.

હાલના સમયમાં શ્રમજીવી, સલ્મ વિસ્તાર, ઝુંપડપટ્ટીના બાળકો શાળાથી વંચિત છે. આવા બાળકોને સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં સમાવવા માટે, છુટેલું શિક્ષણ પૂરું કરવા માટે મોરબીના સલ્મ વિસ્તાર જેવાકે પાડા પુલ, શોભેશ્વર રોડ, કેનાલ કાંઠે વસવાટ કરતા કારખાનામાં કામ કરતા શ્રમજીવીઓના શાળા બહારના અને અધવચ્ચે શાળા છોડી ગયેલા 6 થી 14 વર્ષની વયજુથના બાળકોનો સર્વે ચાલુ છે.

ત્યારે સર્વે દરમ્યાન એક બાળકીના મુખમાંથી એવા ઉદગાર નીકળ્યા કે “દીદી, મારે પણ ભણવું છે, મારુ નામ લખી નાખો ને!”. ગરીબીના લીધે દીકરીઓને કામ માટે શાળાથી વંચિત રાખવામાં આવે છે. નાના ભાઈ-બહેનની સારસંભાળ રાખવા માટે તેમજ ધંધાના કારણે વાલીઓ સાથે બાળકો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા હોય. આવા કારણોસર ઘણાં બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે.

આવા બાળકોનો સર્વે કરવામાં આવે છે અને આવા બાળકો માટે એસ.ટી.પી. વર્ગો શરૂ કરવામાં આવે છે. બાર માસ કે ચોવીસ માસ સુધી એસ.ટી.પી. વર્ગોમાં શિક્ષણ મેળવી લીધા બાદ બાજુની શાળામાં અભ્યાસ કરતાં બાળકોની સાથે પરીક્ષા લઈ મેઈન સ્ટ્રીમ કરી શાળામાં ઉંમર પ્રમાણેના વર્ગમાં બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. જ્યાં પણ આવા શાળા બહારના બાળકો જોવા મળે તો જે તે તાલુકાના બી.આર.સી. ભવનમાં અથવા ટોલ ફ્રી નંબર 18002 333967 જાણ કરવી એમ મુકેશભાઈ ડાભી (એસ.ટી.પી. કો-ઓર્ડીનેટર સમગ્ર શિક્ષા અભિયાન – મોરબી) અને ભરતભાઈ સોલંકી (જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડીનેટર) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મોરબી જિલ્લાની યાદીમાં જણાવવામાં આવેલ છે.

- text

- text